કચ્છમાં કોલસાનો કરોડોનો `કાળો કારોબાર''

કચ્છમાં કોલસાનો કરોડોનો `કાળો કારોબાર''
ભુજ, તા. 21 : વ્યાપક પ્રયાસો અને સમયાંતરે નિતનવી નીતિઓ અને કડક નિયમો બનાવ્યા પછીયે ગેરકાયદેસર કોલસા બનાવવાનો બેનંબરી વ્યવસાય કચ્છ જિલ્લાનો કેડો મૂકતો નથી તે બાબત નકરી વાસ્તવિકતા બની રહી છે. સરકાર અને તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે, આમ છતાં વર્તમાન સમયમાં પણ સ્થિતિ એવી બની રહી છે કે કાળા માલના આ કાળા કારોબારનો આંકડો વર્ષાંતે કરોડો રૂપિયામાં જાય છે, તો એક નંબરના વ્યવસાય હેઠળ બેનંબરી કામ કરનારા અને તેને છાવરનારા લખલૂંટ કમાઇ રહ્યા છે. વન્ય સંપદાના રક્ષણ અને જાળવણી સહિતની બાબતો માટે રાજ્યમાં અલાયદું વનતંત્ર કાર્ય કરી રહ્યું છે, પણ આ તંત્રના અમુક ભ્રષ્ટ અને પલળેલાં તત્ત્વોની ભ્રષ્ટ નીતિ થકી બાવળિયા કોલસાના વ્યવસાયની દિશા અને વ્યાખ્યા જ જાણે કચ્છમાં બદલાઇ ગઇ છે. નોંધપાત્ર અને ગંભીર બાબત એ બની રહી છે કે આ પ્રકારની ફરિયાદો કાંઇ આજકાલની નથી. આ તો પરાપૂર્વથી ચાલી આવતી ફરિયાદો છે, જેમાં ભરતી અને ઓટ આવતી રહી છે અને આવતી રહેશે તેવું અનુભવીઓ જણાવી રહ્યા છે.  જંગલ ખાતાએ કરવાની થતી કાર્યવાહીની જવાબદારી પોતાના શિરે લઇને તાજેતરમાં પશ્ચિમ અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ તથા રેન્જ સ્તરેથી ગેરકાયદે કોલસા સામે બોલાવાયેલી ધોંસના પગલે ગેરકાયદે કોલસાના કકળાટનો આ પેચીદો મુદ્દો પુન: સપાટી ઉપર આવ્યો છે. કાયદાના રક્ષકોએ ચારથી પાંચ દિવસ દરોડાનો દોર અવિરત રાખીને લગભગ પોણા કરોડના બેનંબરી મનાતા કોલસા પકડી પાડયા છે અને આ પ્રકરણની આગળની છાનબીન વનતંત્રના હવાલે કરી છે, પરંતુ આશ્ચર્યની વાત એ બની રહી છે કે હજુ સુધી કોઇ કેસમાં તપાસ જાણે તસુભાર આગળ ધપી નથી અને ખોટું કરનારાને નશ્યત મળે તેવી કોઇ જ કાર્યવાહી થયાના અણસાર પણ નથી, જેને જોતાં આ ક્ષેત્રના અનુભવીઓ એવી ટકોર કરી રહ્યા છે કે પોલીસનો આ સપાટો ચાર દિન કી ચાંદની બની રહેશે, બાકી તો ફરી પાછું ચલતા હૈ અને ચલને દોની નીતિ શરૂ થઇ જશે. વનતંત્ર અને પોલીસતંત્રના સત્તાવાર સાધનો સાથે ચર્ચા-વિચારણા દરમ્યાન જાણવા મળેલી વિગતો અનુસાર, કચ્છમાં જૂન મહિનાથી કોલસાની બંધ મોસમ શરૂ થાય   છે અને તે સામાન્ય રીતે દિવાળી સુધી રહેતી હોય છે. લગભગ ચારથી પાંચ મહિનાના આ ગાળામાં કોલસા બનાવવા ઉપર પ્રતિબંધ હોય છે અને કોલસા પાડવાની, વહન કરવાની કોઇને મંજૂરી પણ અપાતી નથી. હાલમાં દિવાળી વીતી ગયા પછીયે કોલસા માટેની નવી સિઝનનો સત્તાવાર પ્રારંભ થયો નથી. આ સ્થિતિમાં અલગ-અલગ તાલુકામાં પકડાયેલા લાખોના કોલસાએ જાણે બંધ મોસમનો છેદ જ ઉડાડી દીધો છે અને સમગ્ર પ્રક્રિયામાં કેટલું લોલમલોલ ચાલે છે તેનો અને આ વ્યવસાયને લઇને થઇ રહેલા ભ્રષ્ટાચારનો જાણે નકાબ ચીરી નાખ્યો છે.  બાવળિયા કોલસા બનાવવામાં રાજ્યમાં અવ્વલ નંબરે આવતા કચ્છમાં આ વ્યવસાય માટે બન્ની પંથક એપી સેન્ટર સમાન છે, પણ ઘાસિયા મેદાન તરીકે વિખ્યાત આ પંથકના દરજ્જા માટે મહેસૂલ અને વન તંત્ર વચ્ચે ચાલ્યા આવતા વિવાદનો હજુ ઉકેલ આવ્યો નથી, જે બાબત પણ વ્યવસાય અને તેમાં પ્રવેશેલાં દૂષણો માટે ઘણા અંશે નિમિત્ત બનેલી છે. આ ઉપરાંત વિવિધ વિભાગોમાં કામ કરતા વનતંત્રમાં છેલ્લા ઘણ સમયથી મહત્ત્વની કહી શકાય તેવી પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં ખાલી પડેલી અધિકારીઓ સહિતના સ્ટાફની જગ્યાઓ પણ આ માટે અસરકર્તા બની રહી છે તેવું પણ જાણકાર સૂત્રો કહી રહ્યા છે.આડેધડ ઊગતા અને નડતરરૂપ બનતા બાવળને કાપીને તેના દ્વારા શ્રમજીવીઓને નિયમાનુસાર રોજગારી આપવાના શુભ આશયથી શરૂ થયેલા કોલસાના વ્યવસાયને સમયાંતરે નાણાકીય લેવડદેવડ અને ભ્રષ્ટાચારી નીતિ થકી એવો દાગ લાગી ચૂક્યો છે કે તેને ધોવા માટે પણ બહુ લાંબો સમય નીકળી જાય તેમ છે.  બેનંબરી કોલસા થકી થતી ઉપરની અને કાળી કમાણી તરફ નિર્દેશ કરતાં સૂત્રો જણાવે છે કે, કીડી કણ અને હાથી મણ લે તે ઉક્તિ અનુસાર આ ગેરકાયદે વ્યવસાયને લઇને પણ મોટાભાગના સંબંધિતો સચવાઇ જાય છે. કચ્છની હદ વટાવ્યા બાદ કોલસા અને તેના પરિવહનના નિયમો બદલાઇ જાય છે. વન અને પોલીસ તંત્રના કાયદાની કડકાઇ પણ સૂરજબારી પુલ સુધી રહેતી હોવાથી આ પુલિયો વટાવ્યા બાદ માલ લઇ જનારને બહુ ઓછી મુશ્કેલી પડે છે, પણ આ અંતર કાપવા પછવાડે ગાડી દીઠ લગભગ રૂા. અડધા લાખનો ચાંદલો અને વ્યવહાર થતો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. વન્ય સંપદાના પરિવહન ઉપર બાજનજર રાખવા માટે વનતંત્રની ચેકપોસ્ટ પણ જિલ્લાના બંને છેવાડે કાર્ય કરી રહી છે, પણ થપ્પા મારી દેવા સિવાય આ સ્થાનોએ કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરી હોય તેવું ચિત્ર પણ જોવા મળતું નથી. જેને કેન્દ્રમાં રાખીને આ ક્ષેત્રના અનુભવીઓ ઉમેરી રહ્યા છે કે ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સમગ્ર વ્યવસ્થાને સુધારવા માટે નક્કર અને સંયુક્ત પગલાં આવશ્યક લાગી રહ્યાં છે.  સૂત્રો સરવાળે વાત કરતાં કહે છે કે, બંધ મોસમમાં પકડાયેલો બેનંબરી માલ તો પાશેરામાં પૂણી સમાન છે અને હજુ તો અનેક ઠેકાણે આનાથી અનેક ગણો માલ પડયો છે અને ત્યાં સુધી તંત્રના હાથ પહોંચવા પણ મુશ્કેલ છે.      

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer