ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ

ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ
અંજાર, તા. 21 : ગુજરાતમાં ભાજપ વિરોધી લહેર છે. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારના વહીવટથી તમામ સમુદાયો નારાજ છે, તેવા આક્ષેપ અને શબ્દો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા અંજાર વિધાનસભામાં ઉમેદવાર જાહેર થયેલા વી. કે. હુંબલે મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે દાવો રજૂ કર્યો હતો. સવારે અંજાર રબારી સમાજવાડીના પટાંગણમાં યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન કરતાં શ્રી હુંબલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ અંજાર શહેરની અવદશા પાછળ ભાજપની સરકારની ભેદભાવભરી નીતિને જવાબદાર ગણાવી હતી. વીર બાળ ભૂમિ બાળ સ્મારકનાં નિર્માણ બાબતે ભાજપ સરકારની વિલંબનીતિ તથા સ્થાનિકોની પ્રજા વિરોધી નીતિની ઝાટકણી કાઢી હતી. આ સંમેલનમાં માજી ધારાસભ્ય શિવજીભાઇ આહીર, પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર, રબારી સમાજના જિલ્લા પ્રમુખ અને કોંગી આગેવાન હીરાભાઇ રબારી વિ.એ પ્રાસંગિક  પ્રવચનમાં વી. કે. હુંબલને વિજયી બનાવવા કામે લાગી જવા કાર્યકરોને  અપીલ કરી હતી. ઢેબર રબારી સમાજના પ્રમુખ જગાભાઇ રબારી, કોંગ્રેસ પક્ષમાં તેના સમર્થકો સાથે જોડાયા હોવાનો દાવો એક યાદીમાં કરાયો હતો. રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, નાયબ કલેકટર કચેરી-અંજાર સમક્ષ ઉમદેવારી ફોર્મ ભર્યું ત્યારે તાલુકા પંચાયત તથા નગરપાલિકા અંજારના  તમામ ચૂંટાયેલા કોંગ્રેસી સદસ્યો, સરપંચો, જિલ્લા- તાલુકા શહેર કોંગ્રેસના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજાર બેઠકના કોંગ્રેસી દાવેદાર વેલજીભાઇ કાથડભાઇ હુંબલે રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમના પર અંજાર પોલીસ સ્ટેશન અને અંજાર કોર્ટમાં મિલકતો સંબંધી કલમો તળે ગુના રજિસ્ટર થયેલા છે અને હજુ  કોઇ કેસનો નિર્ણય આવ્યો નથી. શ્રી હુંબલ પાસે તથા તેમના અર્ધાંગિની પાસે બેંકોમાં થાપણ, વીમા પોલિસી, વાહન અને ઝવેરાત ઇત્યાદિ અનુક્રમે રૂા. 72,04,579 અને રૂા. 11,32,118ની કિંમતના છે. આ ઉમેદવાર પશુડા, ભીમાસર, સહારા ગ્રામ, આદિપુરમાં મળીને 1.18 કરોડની ખેતીની જમીન, રહેણાંક મકાન, પ્લોટ ધરાવે છે.  પત્ની પાસે મિલકતની કિંમત    23 લાખ થવા જાય છે. બેંક લોન પણ છે. આવક વેરા રિટર્ન અનુસાર તેમની 2015-16માં આવક રૂા. 4,80,805 અને પત્નીની આવક રૂા. 4,23,271 છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer