ગાંધીધામ બેઠક માટે અંતિમ દિવસે 15 ઉમેદવારે ફોર્મ ભર્યાં

ગાંધીધામ, તા. 21 : આગામી વિધાનસભાની ચૂંટણી માટે બે મુખ્ય પક્ષ એવા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા બાદ આજે અંતિમ દિવસે 15 જેટલા ઉમેદવારોએ  પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ ગાંધીધામ બેઠક ઉપર કુલ 20 મુરતિયાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગાંધીધામ મતવિસ્તાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે ગઇકાલે ભાજપના માલતીબેન, કોંગ્રેસના કિશોર પિંગોલ અને અન્ય ત્રણ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. દરમ્યાન આજે ભાજપના કાનજીભાઇ ભર્યાએ તથા કોંગ્રેસના અજિતભાઇ ચાવડાએ ડમી ફોર્મ ભર્યાં હતાં. તો બહુજન સમાજ પાર્ટીના જુમાભાઇ સવાણી ભર્યા, બહુજન મુક્તિ પાર્ટીના ભાણજી મ્યાજરભાઇ ડુંગરિયા, નવીન નારાણભાઇ ડુંગરખિયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેમજ હાલમાં મેન્ડેટ ન આવતાં આમ આદમી પાર્ટીના ગોવિંદભાઇ દનિચાએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અન્ય અપક્ષ મળીને આજે કુલ્લ 15 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતાં હાલમાં આગામી ચૂંટણી માટે 20 ઉમેદવારો  મતદારોને રીઝવવા પોતાના કામે લાગી ગયા છે.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer