નખત્રાણામાં બાઇક અને ટ્રકના અકસ્માતમાં બે મોત

નખત્રાણામાં બાઇક અને  ટ્રકના અકસ્માતમાં બે મોત
ભુજ, તા. 13 : નખત્રાણાથી લખપત જતા ધોરીમાર્ગમાં વિશ્વકર્મા માર્કેટ-સંતકૃપા હોટલ પાસે ટ્રક અને બાઇક વચ્ચે આજે રાત્રે અકસ્માત થતાં બાઇકનો બુકડો બોલી ગયો હતો અને ઘટનાસ્થળે જ એક યુવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય એકને અતિ ગંભીર હાલતમાં 108 દ્વારા સારવાર અર્થે ભુજ ખસેડાયો ત્યારે ભુજની હોસ્પિટલ ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર વિશ્વકર્મા માર્કેટ પાસે જી.જે. 12-વાય. 7663ની ટ્રક બાઇક નં. જી.જે.-12 7384ને ઓવરટેક કરવા જતાં સામેથી અન્ય ટ્રક આવી જતાં બાઇકને અડફેટે લીધી હતી જેથી બાઇકનો બુકડો બોલી ગયો હતો. બાઇકસવાર નખત્રાણાના 25 વર્ષીય હિંમતસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું અને અન્ય એક 52 વર્ષીય તિલક રાજને અતિ ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે 108ના પાયલોટ ગજેન્દ્રસિંહ જાડેજા અને ઇએમટી નિકુલ પ્રજાપતિએ ભુજ ખસેડયો હતો પરંતુ તેનું ભુજ હોસ્પિટલમાં જ મોત થયું હતું. મૃતક હિંમતસિંહ નખત્રાણા સમ્પમાં કામ કરતો હોવાથી તે સમ્પમાં નોકરીએ જતો હતો તે દરમ્યાન જ આ અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કાર્યવાહી આરંભી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer