ભુજ બી ડિવિ. પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ એસીબીના છટકામાં ઝડપાયો

ગાંધીધામ, તા. 13 : ભુજ એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા ભુજ બી ડિવિઝન પોલીસ મથકના કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. મોડી સાંજે એસીબીની કાર્યવાહીનાં પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ એસીબીની ટુકડીએ ફરિયાદનાં પગલે રાત્રિના 9 વાગ્યાના અરસામાં લાંચનું છટકું ગોઠવી બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ કરશન કાળાભાઈ પટેલને 800 રૂા.ની લાંચ લેતાં ઝડપ્યો હતો. મળતી વિગતો મુજબ આરોપી કોન્સ્ટેબલે પાસપોર્ટ વેરિફિકેશન માટે 800 રૂા.ની લાંચની માગણી કરી હતી. આ સંદર્ભે અરજદારે એસીબીમાં ફરિયાદ કરતાં મોડી સાંજે છટકું ગોઠવવામાં આવ્યું હતું. પોલીસ મથકમાં જ થયેલી કાર્યવાહીનાં પગલે ચકચાર પ્રસરી હતી. આ લખાય છે ત્યારે રાત્રિના વધુ કાર્યવાહી ચાલુ હોવાથી વધુ વિગતો સાંપડી નથી. ભુજ એસીબી પી.આઇ. ઝાલા અને સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો. કાર્યવાહી પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે વિગતો જાહેર થાય તેવી વકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એસીબીએ કચ્છમાં લાંબા અરસા બાદ કાર્યવાહી કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer