અલગ અલગ નાવમાં ચૂંટણીની સફર !

અલગ અલગ નાવમાં ચૂંટણીની સફર !
દીપક માંકડ  ભુજ, તા. 13 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પરાકાષ્ટાએ છે. દિલ્હી હાઈકમાન્ડના હાથમાં દોર પહોંચ્યો છે. બે ચાર દિવસમાં નામોની જાહેરાત બાદ ચૂંટણીનો ખરો રંગ જામશે. ભાજપ અને કોંગ્રેસ ટિકિટ ફાળવણી કઈ દૃષ્ટિથી કરે છે એ જોવાનું રહ્યું. હરહંમેશ બને છે તેમ આ વખતે પણ ચૂંટણી લડવાના અને જીતવાના સપનાં જોયા પછી ટિકિટ વિના રહી ગયેલા કેટલાક મહત્ત્વાકાંક્ષીઓ અપક્ષ અથવા તો બીજા કોઈ પક્ષના નામે ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે એ નક્કી.  ગુજરાતના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને સંબંધ છે ત્યાં સુધી કચ્છની છ બેઠક પર આવો કોઈ ઘટનાક્રમ આકાર લેશે કે કેમ એ તો સમય જ કહેશે પરંતુ ભૂતકાળ પર નજર કરીએ તો કેટલાક નેતાનો રેકોર્ડ એવો નોંધાયો છે જે એકથી વધુ ચૂંટણી લડયા છે જુદા-જુદા પક્ષની ટિકિટ પરથી.  કોઈક કિસ્સામાં રાજકીય ઘટનાક્રમે આવા સંજોગ નીપજાવ્યા છે તો કેટલીક ઘટનામાં સત્તા લાલસાને પણ જવાબદાર ઠેરવી શકાય. 9મી ડિસેમ્બરની ચૂંટણી માટે  ટિકિટના પ્રબળ દાવેદાર બાબુભાઈ મેઘજી શાહ, નીમાબેન આચાર્ય અને છબીલભાઈ પટેલ એકથી વધુ પક્ષની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે.  પાંચ પ્રતીક પર સૌથી વધુ ચૂંટણી   કચ્છની રાજનીતિના અનુભવી યોદ્ધા એવા બાબુભાઈ મેઘજી શાહના નામે રાપર બેઠક પર 11 વખત ચૂંટણી લડવાનો વિક્રમ છે. તેઓ અપક્ષ, જનતા મોરચો, ભાજપ, રાજપ અને કોંગ્રેસ એમ પાંચ જુદા-જુદા પ્રતીક પર ચૂંટણી લડયા છે. જોકે સફળતા તો માત્ર ભાજપ અને કોંગ્રેસના નામે જ મળી છે.  1972માં બાબુભાઈ કોંગ્રેસના પ્રેમચંદ મોરબિયા સામે અપક્ષ તરીકે પહેલી ચૂંટણી લડયા અને 1553 મતે પરાજય ખમવો પડયો. 1975ની ચૂંટણીમાં જનતા મોરચાએ ટિકિટ આપી અને કોંગ્રેસના હરિભાઈ નાનજી પટેલ સામે કસોકસનો જંગ ખેલાયો. બાબુભાઈ મેઘજી ફક્ત 383 મતથી હાર્યા. તેમનો વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય તરીકે પ્રવેશ 1980માં થયો. ભાજપના ઉમેદવાર તરીકે બાબુભાઈએ ચૂંટણીમાં ઝુકાવ્યું અને હરિભાઈ પટેલ (કોંગ્રેસ)ને સજ્જડ હાર આપી. એ પછી બાબુભાઈએ 1985, 1993 અને 1995 એમ ત્રણે ચૂંટણી કમળના પ્રતીક પર લડી. તે પૈકી 93 અને 95માં જીત મેળવી હતી.  1998માં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલ સરકાર સામે બળવો કર્યો ત્યારે બાબુભાઈ વાઘેલાની સાથે રહ્યા અને ગુજરાતના નાણાંમંત્રી પદે પહોંચ્યા. પરિણામે 1998ની ચૂંટણી રાજપાની ટિકિટ પર લડવાનું આવ્યું અને (ભાજપના ધીરૂભાઈ શાહ સામે) નિષ્ફળતા મેળવી.  ગુજરાતની રાજનીતિએ ફરી પલ્ટો લીધો. શંકરસિંહ અને  તેમના રાજપાનો કોંગ્રેસમાં વિલય થતાં બાબુભાઈએ કોંગ્રેસનો ખેસ પહેર્યો. 2002થી 2014 સુધીની સળંગ ચાર ચૂંટણી બાબુભાઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડયા. 2002 (વિ. ધીરુભાઈ શાહ) અને 2007 (વિ. વીરેન્દ્રસિંહ જાડેજા)માં વિજય મેળવ્યો. પરંતુ નરેન્દ્ર મોદીનું મોજું મજબૂત બન્યા પછીની 2012ની ચૂંટણીમાં ભાજપના વાઘજીભાઈ પટેલ સામે હાર ખમવી પડી. વાઘજીભાઈના નિધનથી રાપરની પેટા ચૂંટણી 2014માં આવી અને એક સમયના તેમના જ શિષ્ય એવા પંકજભાઈ મહેતા સામે શિકસ્ત ખમવી પડી હતી. બાબુભાઈ આ વખતે ટિકિટ મેળવવામાં સફળ થશે તો વિધાનસભામાં એ તેમની 12મી ચૂંટણી હશે.   પલડું બરોબર  અબડાસાની બેઠક પર ભાજપની ટિકિટના દાવેદાર છબીલભાઈ પટેલ કચ્છમાં રાજકીય જીવનની દોઢ દાયકાની કારકિર્દીમાં ચાર ચૂંટણી લડયા. ત્રણ પંજાના પ્રતીક પર અને એક કમળના પ્રતીક સાથે. કોંગ્રેસના મતદારોના સમર્થનથી બે વખત વિધાનસભામાં પહોંચવામાં સફળ રહ્યા. 2002માં માંડવી બેઠક પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાને તેમના ઘરમાં જ કોંગ્રેસે શિકસ્ત આપી અને એ સનસનીખેજ લડાઈ જીતનારા યોદ્ધા હતા છબીલભાઈ પટેલ.  સુરેશભાઈની એ હાર માટે અનેક પરિબળ જવાબદાર હતા પણ છબીલભાઈ પટેલની રાજનીતિમાં ધમાકેદાર એન્ટ્રીની ગુજરાતભરમાં નોંધ લેવાઈ હતી. અલબત્ત 2007માં છબીલભાઈ ભાજપના નવા ચહેરા ધનજી સેંઘાણી સામે બેઠક સાચવી શક્યા નહીં. 2012માં કોંગ્રેસે તેમને અબડાસામાં અજમાવ્યા અને જયંતીલાલ ભાનુશાલી સામે આસાનીથી જીતી આવ્યા. 2014માં છબીલભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા. વિધાનસભામાંથી રાજીનામું આપીને 2014ની પેટા ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી. કોંગ્રેસે એ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવીને પોતાના પ્રદેશ કક્ષાના નેતા શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા. એ ચૂંટણીમાં રાજકારણના બહુ નાજુક સમીકરણો રચાયા હતા અને છબીલભાઈ 401 મતની પાતળી ખાધથી ચૂંટણી હારી બેઠા.    ચૂંટણી જીતવામાં ફાવટ  ભુજ વિધાનસભા બેઠકના મુખ્ય દાવેદાર ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય 1995માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબડાસાની ચૂંટણી લડયા અને ભાજપના જનપ્રિય ઉમેદવાર તારાચંદ છેડા પર વિજય મેળવીને કચ્છના રાજકારણમાં ડંકો વગાડયો હતો. તે પહેલાં 1990માં અંજાર બેઠક પર નવીન શાત્રી (કોંગ્રેસ) અને હીરજીભાઇ હડિયા (જે.પી.) વચ્ચેની લડાઇમાં નીમાબેને અપક્ષ તરીકે મેદાનમાં ઊતરીને 9900 મત મેળવ્યા હતા. એ પછી 1998માં કોંગ્રેસે તેમને અંજારની ટિકિટ આપી પણ ભાજપના વાસણભાઈ આહીર સામે ફાવ્યા નહીં. 2002માં અંજારમાં જ ભાજપના માવજીભાઈ સોરઠિયા સામે ચારેક હજારની સરસાઈથી જીતીને નીમાબેન બીજીવાર વિધાનસભામાં પ્રવેશ્યાં. રાજનીતિએ કરવટ બદલી નીમાબેને કેસરિયો ખેસ પહેર્યો. 2007માં અંજાર બેઠક ઉપર જ કોંગ્રેસના વી.કે. હુંબલને સજ્જડ હાર આપી. 2012માં નીમાબેનને પક્ષે ભુજમાં લડાવ્યા અને અનેક પડકારો વચ્ચે કોંગ્રેસના અમીરઅલી લોઢિયા સામે જીતી બતાવ્યું. આમ વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક કરી ચૂકેલા નીમાબેને ગૃહમાં બે વખત કોંગ્રેસનું અને બે વખત ભાજપનું પ્રતિનિધિત્વ કર્યું છે.  રાજનીતિમાં પક્ષાંતરને અનૈતિક માનવામાં આવે છે પરંતુ મતદારોને એ પ્રત્યે ખાસ કોઈ ચીડ નથી રહી એવું પક્ષબદલો કરીને પણ જીતતા રહેલા નેતાઓની કહાની પરથી ફલિત થાય છે.  મહોરું બદલાયું, પક્ષ નહીં  કચ્છ-ગુજરાતના મોટા ગજાના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાના રાજકીય સિતારાને 2002ની ચૂંટણીમાં માંડવી બેઠક પર પરાજયની સાથે ગ્રહણ લાગ્યું. એના સહિત કુલ 8 ચૂંટણી તેઓ લડયા છે. જનસંઘ, જનતા મોરચો અને ભાજપના ઉમેદવાર તરીકે. 1972 અને 1973 (ડો. દસ્તૂરનું અવસાન થતાં પેટા ચૂંટણી) એમ બંને વાર જનસંઘના ઉમેદવાર તરીકે સુરેશભાઈ ચૂંટણી લડયા પરંતુ સફળતા મળી નહીં. 1975માં જનતા મોરચાનો ભાગ બનીને સુરેશભાઈએ પહેલીવાર વિજયનો સ્વાદ ચાખ્યો. શાસક કોંગ્રેસના નલિની દસ્તૂરને તેમણે હાર આપી હતી. એ પછી જનસંઘે ભાજપનું રૂપ ધારણ કર્યું. માંડવીમાં સુરેશ મહેતા લડે એટલે જીત પાકી સમજવી એવો તાલ રચાયો. ક્રમશ: 1985, 1990, 1995 અને 1998 એમ સળંગ ચૂંટણી જીતતા રહ્યા એ ચાર વર્ષમાં રસિક દોશીને એક વખત અને જયકુમાર સંઘવીને ત્રણ વખત તેમણે મહાત આપી.  સુરેશભાઈના કેસમાં કહેવું પડે કે તેમણે પક્ષપલ્ટો નથી કર્યો પરંતુ સંજોગો એવા નિર્માણ થયા કે જુદા-જુદા પક્ષના નામે ચૂંટણી લડવાનો વખત આવ્યો. અલબત્ત ભાજપથી મન ખાટું થઇ ગયા પછી તેઓ ચૂંટણી લડવાથી દૂર રહ્યા છે.  માંડવીની વાત  માંડવીની જ વાત આગળ ધપાવીએ તો 1980માં ભાજપના અનંતરાય દવેને હરાવીને કોંગ્રેસ (ઇ)ના ઉમેદવાર તરીકે વિધાનસભામાં પહોંચેલા જયકુમાર સંઘવી 1990 અને 1995માં પણ કોંગ્રેસ (ઇ) તરફથી જ લડયા. 1998માં રાજ્યની ટિકિટ પર વધુ એક વખત સુરેશ મહેતાનો સામનો કર્યો અને 2002માં કોંગ્રેસે છબીલભાઇ પટેલ પર પસંદગીનો કળશ ઢોળતાં જયકુમારભાઇએ અપક્ષ તરીકે ઝુકાવ્યું અને 4700 મત મેળવ્યા હતા. અહીં એ નોંધનીય છે કે એ ફેમસ ઇલેક્શનમાં છબીલભાઇની જીત અને સુરેશભાઇની હારનું અંતર હતું 598 મત. જયકુમારભાઇ ?માંડવીના રાજકારણનું અમીટ?પરિબળ બની રહ્યા છે.  અન્ય દૃષ્ટાંત  એ સિવાય મુંદરા બેઠક પર 2002માં ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા ગોપાલભાઇ ધુઆ 2007ની ચૂંટણી કોંગ્રેસ તરફથી લડયા અને ભાજપના રમેશ મહેશ્વરી સામે પરાજય મળ્યો હતો. અબડાસામાં નરેન્દ્રસિંહ જાડેજા 1998માં ભાજપ તરફથી પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડયા પરંતુ લગભગ સાડાઆઠસો મતની પાતળી સરસાઇથી પરાજય મળ્યો. ઇબ્રાહીમ મંધરા (કોંગ્રેસ) ત્યારે ચૂંટાયા હતા. 2002માં શ્રી જાડેજાએ જુમાભાઇ રાયમાને ઓછા અંતરથી હરાવવામાં સફળતા મેળવી. સુરેશભાઇ મહેતાના ચુસ્ત ટેકેદાર એવા નરેન્દ્રસિંહે ગોપાલભાઇ સાથે 2007માં કોંગ્રેસનો ખેસ પહેરીને ટિકિટ મેળવી પણ ભાજપના જેન્તીલાલ ભાનુશાલી સામે હાર ખમવી પડી હતી.  સાગમટે પક્ષ જ બદલાયા  કચ્છની રાજનીતિના કેટલાક ઝળહળતા સિતારા એવા છે જેમણે જુદા પક્ષનો અંચળો ઓઢ્યો પણ એમાં વ્યક્તિગત રાજકીય સ્વાર્થ નહોતો બલ્કે સમગ્રતયા પક્ષીય સંજોગોને લીધે બન્યું હતું. ગુજરાત વિધાનસભાના કચ્છના પ્રથમ સ્પીકર કુંદનલાલભાઇ?ધોળકિયા 1957, 1962, 1972 અને 1975 એમ ચાર ચૂંટણી લડીને બે વાર જીત્યા હતા. તેમણે કોંગ્રેસ, સંસ્થા કોંગ્રેસ અને જનતા મોરચો એમ ત્રણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું. તેવી જ રીતે અબડાસામાં મહેશભાઇ ઠક્કરે ત્રણ ચૂંટણી લડીને એકવાર (1975)માં વિજય મેળવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પ્રત્યેની વફાદારી હંમેશ જાળવી રાખી. 1980માં કોંગ્રેસમાં ભંગાણ પછીના સિનારિયોમાં મહેશભાઇ જનતા પાર્ટીની છત્રછાયામાં લડયા અને હાર્યા. 1990માં ફરી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી. તેમની સામે ભાજપના તારાચંદ છેડા જીત્યા હતા. 1967માં મુંદરા બેઠક પર સ્વતંત્ર પક્ષ તરફથી ચૂંટણી લડીને વિજેતા બનેલા વીરજીભાઇ દાફડાએ 1980માં કોંગ્રેસનો સાથ લઇને ફરી એકવાર બેઠક કબ્જે કરી હતી.  વીરજીભાઇની જેમ જ મેઘજી મોથારિયા મુંદરાની રાજનીતિના કસાયેલા ખેલાડી રહ્યા છે. 1972માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા. 1975માં શાસક કોંગ્રેસ વતી ફરી ચૂંટણી લડીને બેઠક જાળવી રાખી. 1980માં તેમણે જનતા (જેપી)નો આશરો લીધો ને પરાજય મળ્યો. 1995 અને 2002ની ચૂંટણી તેઓ ફરી કોંગ્રેસના નિશાન પર લડયા પરંતુ સફળતા મળી નહોતી. અંજાર વિધાનસભા બેઠકમાં ચંપકલાલ શાહ 1977ની પેટા ચૂંટણીમાં જનતા પક્ષ વતી વિજયી થયા હતા. તેમણે બી. એફ. આચાર્યને હાર આપી હતી. જો કે એ પછી 1980 અને 1985ની ચૂંટણી તેઓ ભાજપ તરફથી લડયા અને પરાજય પામ્યા હતા.  પક્ષ બદલવો રાજનીતિમાં સાહજિક વાત છે. ઘર બદલો કર્યા પછી પણ જીતવું એનો આધાર નેતાના સામર્થ્ય અને આવડત પર રહેલો છે. 2017ની ચૂંટણીમાં આ યાદીમાં કોઇ નામ ઉમેરાશે ? થોભો અને રાહ જુઓ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer