થોરિયારીમાંથી અનાજ કૌંભાડનો પર્દાફાશ

થોરિયારીમાંથી અનાજ કૌંભાડનો પર્દાફાશ
ગાંધીધામ, તા. 13 : તાજેતરમાં પશ્ચિમ કચ્છમાં પોલીસે ગેરકાયદે કોલસાના ધંધાનો પર્દાફાશ કર્યા બાદ આજે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ રાપર તાલુકાના થોરિયારી ગામમાં રહેણાંક મકાનમાંથી રેશનિંગના અનાજનો જંગી જથ્થો ઝડપી પાડી સંગ્રહખોરીનો પર્દાફાશ કરતાં ચકચાર પ્રસરી છે. રાપરમાં આ પ્રકારનું કૌભાંડ એ નવી વાત નથી. અગાઉ ઘણા વર્ષો પૂર્વે આ જ રીતે ઘઉં ચાઉં કરી જવાનું જબ્બર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેમાં બે આંકડામાં આરોપીઓ ઝપટમાં આવ્યા હતા. પૂર્વ કચ્છ પોલીસની આ કાર્યવાહીના પગલે સંગ્રહખોરી કરતાં તત્ત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી એવા ગરીબોના ભાગના ઘઉં હજમ કરતા કૌભાંડના પર્દાફાશ અંગે જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ પોલીસવડા ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઈન્ચાર્જ પી.આઈ. જે.પી. જાડેજા અને તેમની ટીમ આડેસર ખાતે પેટ્રોલિંગમાં હતી. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે થોરિયારીમાં આરોપી મહેન્દ્ર સોનીના કબજાના મકાનમાં દરોડો પાડવામાં આવતાં ગેરકાયદે સંગ્રહ કરેલો કે ચોરી છળકપટથી મળેલો અનાજનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન રૂા. 1.22 લાખની કિંમતની 50 કિલોગ્રામ વજનની ખાંડની 61 નંગ બોરી, રૂા. 2.47 લાખની કિંમતની તુવેરદાળની 25 કિલોગ્રામ વજનની 165 નંગ થેલી, 85,800ની કિંમતના 25 કિલો વજનના ચોખાના 78 નંગ કટા, 1.22 લાખની કિંમતની 50 કિલો વજનના મઠ (કોરલ)ની 61 નંગ બોરી, 37,500ની કિંમતના 50 કિલો વજનના જુવારના 50 નંગ કટા, 20 હજારની કિંમતના 50 કિલો વજનના ઘઉંના 20 નંગ કટા, 11.70 લાખની કિંમતના પ0 કિલો વજનના મગના 390 નંગ કટા, 1.52 લાખની કિંમતના 50 કિલો વજનના  ચણા દાળના 76 નંગ કટા, 27.78 લાખની કિંમતના 50 કિલો વજનના ગુવારના 2137 નંગ કટા તેમજ રૂા. 2500ની કિંમતનું કટાને સિલાઈ કરવા માટેનું મશીન, વજનકાંટો કબ્જે કરાયા હતા. ઝડપાયેલા અનાજના જંગી જથ્થાની કિંમત 47.37 લાખ આંકવામાં આવી છે. આરોપી મહેન્દ્ર રણછોડ સોનીએ આ જથ્થો ચોરી, છળકપટથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદ અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનમાંથી મેળવાયો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન કરાઈ રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગ સુધી આ જથ્થો ન પહોંચાડી સંગ્રહખોરી કરતા તત્ત્વો સામે સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે ધણીધોરી વગરના રાપર તાલુકાના ગરીબોને આપવામાં આવતો રેશનિંગ અનાજનો જથ્થો અને કેરોસીનના કાળાબજાર કરી વેચાઈ રહ્યો હોવાની ઘટનાને પોલીસની આ કાર્યવાહીથી સમર્થન મળે છે. લગભગ શંકાસ્પદ અનાજનો જથ્થો આંગણવાડી કેન્દ્ર અને મધ્યાહન ભોજન યોજનાનો છે. મ.ભો.યો. યોજના માટે ફાળવવામાં આવતો આ જથ્થો સંચાલકોની મધ્યસ્થીથી વેચી નાખવામાં આવતો હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. દરમ્યાન રાપરના 1998માં ધારાસભ્ય તરીકે સ્વ. ધીરૂભાઈ શાહ હતા તે અરસામાં ગરીબોને આપવામાં આવતા રેશનિંગના ઘઉંનું જબ્બર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ ચકચારી કૌભાંડમાં ફેરપ્રાઈઝ શોપ એસોસિયેશનના તત્કાલીન પ્રમુખ અને 30થી 40 જેટલા દુકાનદારોની સંડોવણી ખુલ્લી હતી. બહુ ગાજેલા આ કૌભાંડમાં એસોસિયેશન પ્રમુખે લાખોની રકમ જ્યારે અન્ય સસ્તા અનાજના દુકાનદારોએ પણ રોકડ જમા કરાવી હતી. તદુપરાંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે પણ રાપર શહેર તાલુકામાં સસ્તા અનાજની દુકાન ધરાર અન્ય લોકોને ચલાવવા આપી દેવામાં આવે છે. આ ચકચારી કૌભાંડની વહીવટી તંત્ર દ્વારા તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો અનેકના પગ તળે રેલા આવે તેમ હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. તાલુકામાં રેશનકાર્ડ દુકાનદાર પાસે ગિરવી રાખવાની એક આગવી પ્રથા છે જે દૂષણને બળ પૂરું પાડે છે. આ કાર્યવાહીમાં એસઓજીના પી.એસ.આઈ. બી.ડી. ઝિલરિયા, સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા, શિવજી મંગેરિયા, દેવાનંદ બારોટ, હરવિજયસિંહ જાડેજા, ઈશ્વર બાર, અબ્બાસ પલેજા, ગોપાલ સોધમ, પચાણ ફુફલ વગેરે જોડાયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer