હેલ્લો, 1098 ? : બાળકોની મદદગાર હેલ્પલાઈન

હેલ્લો, 1098 ? : બાળકોની મદદગાર હેલ્પલાઈન
                                                                                કિશોર ગોર દ્વારા  ભુજ, તા. 13 : બાળદિનની 14મી નવેમ્બર ઉજવણીને ટાંકણે બાળકોને પરંપરાગત એવી શૈક્ષણિક ઊંચાઇઓ સર કરવા શીખ અપાશે. `યે દેશ હૈ તુમ્હારા નેતા તુમ હી હો કલ કે' જેવા ગીતોથી નવાજાશે. ત્યારે વાસ્તવિકતાઓને નજર અંદાજ ન કરતાં મુસીબતમાં મુકાયેલા બાળકોની મદદ માટે ઉપયોગી બનતી `ચાઇલ્ડ લાઇન 1098'નો પ્રચાર પ્રસાર થાય તે વિશેષ જરૂરી લાગી રહ્યું છે. હાલે મોબાઇલનો જમાનો કહીયે તો અતિશયોક્તિ નહીં લાગે, આ ઘટમાળમાં અમુક નંબરો જીવન બદલી શકે છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયના પ્રકલ્પના દેશના ચાર ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં આવતા કચ્છમાં સરકારની આ બાળમદદ કરતી સેવાને અમદાવાદની માલધારી રૂરલ એકશન ગ્રુપ જે ટૂંકમાં મારગ સંસ્થા તરીકે ઓળખાય છે તે સંભાળી રહી છે. ખોવાયેલા બાળકો, શોષિત બાળકો, તરછોડાયેલા બાળકો, ભાગી ગયેલા બાળકો, જેમને ઔષધીય સારવારની જરૂર છે તેવા બાળકો, જેમને સંભાળ અને રક્ષાની જરૂર છે તેવા કોઇપણ બાળકને મદદની જરૂરત છે એવું તમે જુઓ ત્યારે ચાઇલ્ડ લાઇનના મફત સેવા આપતા ફોન નંબર 1098 ઉપર કોલ કરો. ચાઇલ્ડ લાઇન સેન્ટર સાથે જોડાયેલી ટીમ બાળકો પાસે 60 મિનિટમાં પહોંચી જશે જો ટીમ આ સમયમાં પહોંચી શકે તેમ ન હોય તો બાળકના નજીકના પોલીસ મથકને કે કોઇ સેવા સંસ્થાને જાણ કરી મદદ માટે પહોંચવા જણાવશે. ચાઇલ્ડ લાઇન એ 0થી 18 વર્ષના માટે રાષ્ટ્રીય 24 કલાક મફત ફોન આપાતકાલીન સેવા છે. જે બાળક પાસે પહોંચી કાઉન્સેલિંગ કરશે. તેના રક્ષણ માટે જરૂર હશે તો મદદરૂપ થશે. જેમ કે છોકરો હોય તો ચિલ્ડ્રન હોમમાં અને છોકરી હોય તો ભુજ સ્થિત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશ્રય અપાવાય છે. મારગ સંસ્થાએ ચાઇલ્ડ લાઇનનો રાપરથી કચ્છમાં આરંભ કર્યા બાદ 2012થી ભુજ ખાતે કેન્દ્ર ખસેડયું જેમાં જિલ્લા કો-ઓર્ડિનેટર સલીમભાઇ સમા સાથે કાઉન્સિલર રામજીભાઇ સોલંકી, વોલિન્ટીયર પ્રેમીલાબેન મારવાડા અને ટીમના સભ્યો મોહિનીબેન ચૌહાણ, ગોવાભાઇ દેસાઇ, મેઘનાબેન પાસી, ભરતસિંહ જાડેજા, રાજુબેન દેસાઇ કોલ આવે તો બાળકની મદદ માટે પહોંચી જાય છે. ઉપરાંત 32 ઝૂંપડપટ્ટી વિસ્તારની નિયમિત મુલાકાત લઇ ત્યાંના બાળકોને જરૂરી મદદ કરે છે. આ મુખ્યાલય ખારીનદી ચાર રસ્તા ખાતે આવેલી તયબાહ ટાઉનશિપમાં છે. જિ. કો-ઓર્ડિનેટર સલીમભાઇ સમાના મો. નં. 96871 15375 છે. બે સબ સેન્ટર કાર્યરત છે. જેમાં માંડવીમાં સારસ્વતમ્ સંસ્થા સંભાળે છે. તેના નીરવભાઇ મોતાના મો. નં. 84607 63210, બીજું સબ સેન્ટર મુંદરામાં યુસુફ મહેરઅલી સેન્ટર સંભાળે છે. તેના સંચાલક ખિરાબદ્દીનના મો. 87582 30076 છે. દર બે મહિને સંકલન માટે બેઠક યોજાય છ. ચાઇલ્ડ લાઇનની સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર અને સભ્યોમાં જિલ્લા પોલીસ અધીક્ષક, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના પ્રિસાઇડિંગ ઓફિસર, (એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ), મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી, બાળ સુરક્ષા અધિકારી, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ, સમાજ સુરક્ષા અધિકારી, શિક્ષણાધિકારી, ચિલ્ડ્રન હોમ, રેલવે અધિકારી વગેરેનો સમાવેશ થાય છે. ચાઇલ્ડ લાઇનના ગ્રામ્ય મોડલ આખા ભારતમાં બહુ સીમિત છે તેમાંનું એક કચ્છમાં છે. આ અંગે વધુ વિગતો આપતાં કાઉન્સિલર રામજીભાઇ સોલંકીએ દર મહિને અંદાજે 35 જેટલા કેસ આવે છે. અત્યાર સુધી 950 જેટલા કેસ આવ્યા છે. ટીમના સભ્યો લોકો વચ્ચે જઇ દર મહિને 150 જેટલા કોલ ટેસ્ટિંગ કરાવે છે જો કોઇ ફોન-મોબાઇલ કંપનીના કોલ ન લાગે તો તેની મુંબઇ સ્થિત ચાઇલ્ડ ઇન્ડિયા ફાઉન્ડેશનને ઇમેલથી જાણ કરી સંબંધિત મોબાઇલ-ફોન કંપનીને તેમની સેવા સુધારવા જણાવાય છે. ચાઇલ્ડ લાઇન ઇન્ડિયા ફાઉન્ડેશ દ્વારા દરેક સેન્ટરોમાં વાહનની વ્યવસ્થા કરાય તો ઝડપી સેવા આપી શકાય. હાલે સભ્યોને પોતાના દ્વિચક્રી વાહનથી જવું પડે છે. રાપર તાલુકાના સણવાના કિસ્સામાં તેમને આવવા-જવામાં બે દિવસ લાગી ગયાનું ઉમેર્યું હતું. સણવાના 99 ટકા માનસિક દિવ્યાંગ 16 વર્ષના છોકરાની માતાનો ફોન આવ્યો હતો. આ પરિવાર બીપીએલની 0થી 16 કેટેગરી 13માં હોવાથી સરકારી સહાય અને એસ.ટી. મુસાફરીના પાસ મળે તેવી હતી. તેમને ફોર્મ અને તેની સાથે જોડવાના આધારો અંગે માર્ગદર્શન અપાયું હતું. જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે તાજેતરમાં સ્ટોલ રાખી 1200 જેટલી માહિતી પત્રિકા વહેંચી પ્રચાર-પ્રસાર કરાયો હતો. ટીમના સભ્યો સામેથી ઝૂંપડ- પટ્ટીમાં સેવા આપે છે તે પૈકીની કામગીરી દરમ્યાન બાળકો પાસે આધારકાર્ડ ન હોવાનું જણાતાં સર્વે કરાયો જેમાં રામનગરીમાં 28 બાળકો, જોગીવાસમાં 51 બાળકો, વાંસફોડા (માધાપર) વિસ્તારના 49 બાળકો પાસે આધારકાર્ડ ન હોવાથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે સંકલન કર્યું છે. 6થી 14 વર્ષની ઉમર ભણવાની છે. આમ છતાં બાળશ્રમિકો રાખતા હોટેલ કે જાહેરસ્થળોએ કામે રાખનારને સમજાવાય છે. 14 વર્ષથી ઉપરના બાળકને કેટલાક કામની છૂટછાટ અપાઇ છે. જેમ કે ચાની હોટલમાં ચા ન બનાવી શકે, તે ગંભીર કામ છે. પણ કપ-રકાબી ધોઇ શકે. કચ્છમાં સૌથી વધુ કોલ ગાંધીધામથી આવે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer