રાજકોટ સિટી સામે ભુજ કેસીએની 30 રને હાર

રાજકોટ, તા. 13 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આયોજિત આંતર જિલ્લા અન્ડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ સિટીનો ભુજ કેસીએ સામે 30 રનથી વિજય થયો હતો. ભુજની ટીમ વતી કપ્તાન આર્યન મલિકે ધુંઆધાર 126 રન બનાવ્યા હતા પણ ટીમ વિજયથી દૂર રહી હતી. હવે આ બન્ને ટીમ ઉપરના પૂલમાં ટકરાશે. ગઇકાલના દાવને આગળ ધપાવતાં કચ્છના કેપ્ટન આર્યન મલિકે 2 છગ્ગા અને 13 ચોગ્ગા વડે 126 રન ઝૂડયા હતા. જોકે કચ્છની ટીમ 217માં ઓલઆઉટ થઇ હતી. રાજકોટ સિટીએ આઠ વિકેટે 247 રન બનાવ્યા હતા જેમાં હેતવિક કોટકે 21 ચોગ્ગા સાથે શાનદાર 124 રનનું યોગદાન આપ્યું હતું. ભુજ કેસીએ વતી બોલિંગમાં આર્યન મલિક, આદિત્યસિંહ જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. રાજકોટ સિટી અને કેસીએની હવેની મેચની તારીખ બાદમાં નક્કી થશે એવું ટીમ સાથે રાજકોટ રહેલા કોચ શંકરસિંહ રાઠોડે જણાવ્યું હતું. કચ્છની ટીમને સારા દેખાવ બદલ પસંદગીકારો અતુલભાઇ કારીઆ, હર્ષભાઇ જોશી, પૂનમભાઇ પંડિતે અભિનંદન આપ્યાં હતાં. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer