શ્રીલંકાને ભારતની ધરતી પર પહેલી ટેસ્ટ જીતની તલાશ

નવી દિલ્હી, તા. 13 : ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટની શ્રેણીનો તા. 16મી ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે. આ શ્રેણીમાં પણ શ્રીલંકા માટે હાર ટાળવી ઘણી મુશ્કેલ છે. કારણ કે શ્રીલંકાની ટીમ આ પહેલાંની શ્રેણીમાં ઘરઆંગણે વિશ્વ નંબર વન ભારતની ટીમ સામે 0-3થી હારી ગઇ હતી. પોતાના ઘરમાં ભારત સામે 3-0નો સફાયો સહન કરનાર શ્રીલંકાની ટીમ ભારતની સરજમીં પર ક્લીનસ્વીપ લગભગ ટાળી શકશે નહીં. જો કે શ્રીલંકાએ પાછલી ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને 2-0થી હાર આપીને ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવી લીધો છે. આંકડા પર નજર કરીએ તો ભારતની ધરતી પર શ્રીલંકાનો રેકોર્ડ બહુ ખરાબ છે. ભારતની ધરતી પર આ ટીમ હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. બન્ને ટીમ વચ્ચે ભારતમાં કુલ 17 ટેસ્ટ રમાઈ છે. જેમાં ટીમ ઇન્ડિયાનો 10માં વિજય થયો છે અને 7 ડ્રો રહી છે. શ્રીલંકાની ટીમમાં જ્યારે સંગાકારા, જયવર્ધને, જયસૂર્યા, સમરવીરા, મુરલીધરન અને વાસ જેવા સ્ટાર ખેલાડી હતા ત્યારે પણ તેમણે ભારતમાં જીત નસીબ થઇ ન હતી. હાલ તો શ્રીલંકાની ટીમ બદલાવના સમયમાંથી પસાર થઇ રહી છે અને વર્તમાન ટીમમાં કોઇ સ્ટાર ખેલાડી પણ નથી.  ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ 16મીથી કોલકાતાના ઇડન ગાર્ડન પર રમાશે. બીજી ટેસ્ટ નાગપુરમાં 24થી અને ત્રીજી ટેસ્ટ 2 ડિસેમ્બરથી દિલ્હીમાં શરૂ થશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer