વિરાટનું ચાલતું હોત તો હું કોચ હોત : વીરુ

વિરાટનું ચાલતું હોત તો હું કોચ હોત : વીરુ
મેરઠ, તા. 13 : પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે તેના ટીમ ઇન્ડિયાના કોચ બનવા પર આજે નવો એક ફણગો ફોડયો છે. સેહવાગે આજે અહીં એવું કહ્યું છે કે, કેપ્ટન ભલે ટીમનો સર્વેસર્વા હોય, પણ ઘણા મામલે તેની ભૂમિકા ફક્ત મત આપવા જેટલી હોય છે. આ જ કારણે વિરાટ કોહલીના સમર્થન છતાં હું ટીમ ઇન્ડિયાનો કોચ બની શક્યો ન હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અનિલ કુંબલેના કોચપદેથી રાજીનામા બાદ આ પદ માટે રવિ શાત્રીની હરીફાઇમાં સેહવાગ મુખ્ય હતો. ત્યારે સચિન, ગાંગુલી અને લક્ષ્મણની સલાહકાર સમિતિએ ઇન્ટરવ્યૂ બાદ રવિ શાત્રી પર પસંદગી ઉતારી હતી. આ મામલે સેહવાગે કહ્યંy છે કે, સુકાનીના નિર્ણય ટીમને અસર કરે છે, પણ કેટલાય એવા મામલા હોય છે જેમાં તેનો નિર્ણય આખરી ગણાતો નથી. કોચ અને પસંદગીમાં સુકાનીની ભૂમિકા ફક્ત મત આપવા પૂરતી હોય છે. વિરાટ કોહલી ઇચ્છતો હતો કે હું કોચ બનું. કોહલીએ મારો સંપર્ક કર્યો એટલે જ મેં અરજી કરી હતી, છતાં કોચ બની શક્યો નહીં. આથી આપ કહી શકો કે દરેક મુદ્દે કેપ્ટનનું ચાલતું નથી. સેહવાગે એવી પણ સ્પષ્ટતા કરી કે તેણે ફક્ત એક લાઇનની અરજી કરી ન હતી. તમામ ઔપચારિકતા કરી હતી. એક લાઇનની વાત ફક્ત મીડિયાની ઊપજ હતી. તેણે એમ પણ કહ્યુંy કે, પાડોશી દેશ પાકિસ્તાન સામે ક્રિકેટ રમવું જોઇએ, પણ અંતિમ ફેંસલો સરકારનો હોય છે. તેણે એમ પણ કહ્યુંy કે, હાલમાં રાજકારણમાં આવવાનો મારો કોઇ ઇરાદો નથી. સેહવાગે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેની આત્મકથા પુસ્તકરૂપે રજૂ થાય અને બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલકુમાર પર બાયોપિક ફિલ્મ બનવી જોઇએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer