કંડલા એરપોર્ટ વિસ્તરણ : રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ

કંડલા એરપોર્ટ વિસ્તરણ : રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ
                                                                    અદ્વૈત અંજારિયા દ્વારા  ગાંધીધામ, તા. 13 : કચ્છના આ આર્થિક પાટનગરને રાજ્ય કરતાં કેન્દ્ર સરકારની જરૂર વધુ હોય છે. અહીં આવેલા મહાબંદર દીનદયાળ (કંડલા), કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર, રેલવે, કસ્ટમ, ડી.આર.આઈ., આવકવેરા વગેરે પ્રશાસનોના પ્રશ્નો સંદર્ભે લોકોને વખતોવખત દિલ્હી જવું પડે છે. પરંતુ તેમને સીધી વિમાનસેવા આજે વર્ષોપર્યંત પણ નસીબ નથી થઈ. અધૂરામાં પૂરું કંડલા એરપોર્ટનું વિસ્તરણ પણ આગળ વધતું જ નથી. જેની પછવાડે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કચ્છના મુંબઈ સાથેના સંબંધો હોવાથી રેલવે હોય કે વિમાની સેવા માત્ર મુંબઈ પૂરતી જ મળી છે. રેલવેને લાગેવળગે છે ત્યાં સુધી વખતોવખત ઉઠતી માંગ અને રજૂઆતને આધારે અન્ય સ્થળોની ટ્રેનો ચોક્કસ શરૂ થઈ છે. પરંતુ વિમાની સેવાનું વિસ્તરણ ખાસ થતું નથી. લાંબા સમય સુધી બંધ પડેલું કંડલા એરપોર્ટ અત્યારે મુંબઈની એક ફ્લાઈટથી જીવંત બન્યું છે. પરંતુ અહીંથી દિલ્હીની ઉડાન ખૂબ જરૂરી હોવા છતાંય તે શરૂ થતી નથી. એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે જેટ એરવેઝ તેના એ.ટી.આર પ્રકારના વિમાનથી કંડલા-મુંબઈ ઉડાન ચલાવે છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હી વગેરે જેવા વ્યસ્ત એરપોર્ટ ઉપર ખાલી સમય મેળવો મુશ્કેલ હોવાથી કચ્છને અનુકૂળ હોય તેવા સમયે ઉડાનો મંજૂર થતી નથી. પરિણામે ઉડાન શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે.  કંડલા એરપોર્ટનો હાલનો રનવે દોઢ કિ.મી.નો જ છે. પરિણામે બોઈંગ જેવા વિમાનો ઉતરી શકતા નથી. તેના વિસ્તરણની સમગ્ર યોજના તૈયાર છે, જરૂરી નાણાં પણ એરપોર્ટસ ઓથોરિટી પાસે છે પરંતુ જમીન મંજૂર થતી નથી. રનવે બેવડો એટલે કે 3 કિ.મી.નો કરવા, નવું ટર્મિનલ બિલ્ડિંગ, રડાર વગેરે વ્યવસ્થા ઊભી કરવાનું આ યોજનામાં સમાવિષ્ટ છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે, પહેલાં એરપોર્ટનો રનવે પૂર્વ દિશા તરફ વધારવા ઠરાવાયું હતું પરંતુ તે દિશામાં આવેલી ખાનગી જમીનોમાં રહેણાંક મકાનો બંધાવા માંડતા તે મુશ્કેલીભર્યું જણાયું હતું. પરિણામે પશ્ચિમ દિશાની સરકારી ખરાબાની જમીનો તરફ ધ્યાન અપાયું હતું. એરપોર્ટસ ઓથોરિટીએ યોગ્ય પ્રક્રિયા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારોને અઢી વર્ષ પહેલાં દરખાસ્ત મોકલી આપી હતી પરંતુ આજ સુધી જમીન સંપાદન કામગીરી થઈ નથી. જાણકારોના કહેવા મુજબ સરકાર ધારે તો રાષ્ટ્રહિતમાં આ કામગીરી માત્ર 30 જ દિવસમાં કરી શકે પરંતુ અહીં રાજકીય ઈચ્છાશક્તિ ન હોવાનું કે પછી કોઈ રાજરમત હોવાનું સ્પષ્ટ સમજાય છે. એકતરફ હવે ઈન્ડિગો પાસે પણ એટીઆર પ્રકારના વિમાનો આવ્યા છે તે ધારે તો અહીંથી રૂટો શરૂ કરી શકે. બીજીતરફ એર ઈન્ડિયા પણ કંડલાથી અમદાવાદ, મુંબઈને સાંકળતી સેવા  શરૂ કરવા ઈચ્છુક હોવાનું આ સૂત્રો ઉમેરે છે. કચ્છમાં ભુજ પછી બીજા વિમાની મથકની ખૂબ જ જરૂરત છે પરંતુ અઢી વર્ષથી લટકેલી આ દરખાસ્ત શા માટે આગળ વધતી નથી તે સમજી શકાતું નથી. ગાંધીધામવાસીઓ તેમને ખૂટતી આ એકમાત્ર સુવિધા પણ જો મળે નહીં તો વિકાસના ફળ તેમને ખાટાં લાગે તેમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer