ડોલરિયા ડુમરાની અનોખી દિલેરી...

ડોલરિયા ડુમરાની અનોખી દિલેરી...
ભુજ, તા. 6 : આઝાદી પહેલાં જ શિક્ષણની આહલેખ જગાવી ચૂકેલા અબડાસા તાલુકાના ડુમરા ગામના ઈતિહાસના પાનાં ખોલવાની વાત આવે ત્યારે એવા અનેક કિસ્સા છે જે ગામના વયોવૃદ્ધ વ્યક્તિઓને આજે પણ યાદ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે ગામની મુલાકાત લીધી હતી તેમાંના આ ડુમરા ગામનું નામ તો વર્ષો પહેલાં `ડુમરો' નામના એક વૃક્ષ પરથી પડયું છે અને શિક્ષણની વાત આવે છે  તો કચ્છમાં નવોદય વિદ્યાલયની ભેટ એક માત્ર ડુમરા ગામને મળી છે.  આ ગામના જૈન સમાજની દિલેરીને પણ લોકો ભૂલતા નથી. ભૂતકાળ હોય કે વર્તમાન સારા કામમાં ગામ માટે જો કંઈક આપવાનું આવે તો જૈન સમાજના દાતાઓ પાછળ જોતાં નથી. એટલે તો જૈન સમાજે આ ડુમરા ગામને ડોલરિયો ડુમરો ગણાવીને પોતાની જ્ઞાતિ માટે આ નામે એક પુસ્તક બહાર પાડયું છે. જેમાં ડો. વિશનજી દેવરાજ નાગડા લખે છે કે, `ડુમરો ગંજો ગૌરવશાળી પાંચાડેજો પ્રાણ'..   કંઠી પટ્ટીના માંડવી તાલુકાની જ્યાં હદ પૂરી થાય અને અબડાસાની હદ શરૂ થાય એવી ભૌગોલિક તાસીર ધરાવતા ડુમરા ગામનો ઈતિહાસ આમ તો પાંચસો વર્ષ જૂનો છે તેવું વડીલોએ કહ્યું હતું.  પાંચેક હજારની વસ્તી  જૈન, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત સહિતની વસ્તી મળીને પાંચેક હજાર લોકો આ ગામમાં આજે વસે છે તેવું જાણવા મળ્યું હતું. ઉપરાંત આસપાસના સરકારી વિભાગોના કર્મચારીઓ તેમજ શિક્ષકોની સંખ્યા પણ અહીં     મોટી છે.  રાજાશાહી વખતની મળેલી જાણકારી પ્રમાણે કોટડી જાગીર હેઠળ આવતા આ ગામે જે-તે વખતે લૂંટના કિસ્સા પણ બની ચૂક્યા છે. ગામના શ્રેષ્ઠીઓને બંદી બનાવી લૂંટારુઓએ ગામમાં લૂંટ ચલાવી હોવાની વાત જાણવા મળી હતી.  વાજપેયી આવ્યા હતા  કચ્છ સત્યાગ્રહ વખતે 1967ના સમયમાં અટલ બિહારી વાજપેયી અને જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવી દિગ્ગજ વ્યક્તિઓ ડુમરા આવી હતી. એ વાત આજે પણ તે સમય જેવી જ યાદ છે. એમ કહેતા 82 વર્ષના વયોવૃદ્ધ મહિલા હેમલતાબેન ખીમજી શાહે જણાવ્યું હતું કે, તેઓ બંને અહીં રોકાયા હતા અને મેં પોતે જમાડયા હતા.  80 વર્ષ પહેલાં કન્યા શિક્ષણ  હેમલતાબેન કહે છે અમારા ગામમાં 80 વર્ષ પહેલાં જ્ઞાનશાળા શરૂ થઈ હતી. જેમાં ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. બાઈ સાહેબના નામે ઓળખાતા કુંવરબાઈ ઉર્ફે કબુબાઈએ જ્ઞાન શાળા શરૂ કરાવી હતી. અહીં વિધવા મહિલાઓને આશ્રય પણ આપવામાં આવતો. ભોજનશાળા ચાલતી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 1962માં જીવરાજભાઈ મહેતાના હસ્તે જૈન બોર્ડિંગની શરૂઆત થઈ હતી અને એ પ્રસંગ પણ તેમને યાદ છે.  છ તોલાની બંગડી આપી  કચ્છ સત્યાગ્રહની વાત કરતાં મિનલબેન શાહે કહ્યું હતું કે, સત્યાગ્રહ વખતે અનેક આગેવાનોએ મુલાકાત લીધી હતી અને કિસ્સા વાગોળ્યા હતા. એ સમયે તેમણે પોતે  6 તોલાની સોનાની બંગડી ઉતારીને દાનમાં આપી દીધી હતી.  ડુમરા શું કામ ?  ડુમરો એ એક વૃક્ષ છે જે ગામની આસપાસ ઉગતા હતા. વર્ષો પહેલાં આ ઝાડના નામે અમારા ગામનું નામ ડુમરા પડયું હોવાનું દિલુભા જાડેજાએ જણાવ્યું હતું અને કચ્છમાં આ ઝાડને ડુમરો કહેવાતો આ ડુમરા થકી બન્યું છે આ ગામ ડુમરા.  ડોલરિયો ડુમરા  ગામના જૈન સમાજે તો પોતાના વતન ગામ ડુમરાને ડોલરિયો ડુમરાનું નામ આપ્યું છે. એક આબેહૂબ પુસ્તક પણ આ જ નામથી તૈયાર કરવામાં આવ્યું છે. જૈન દેરાસરની ઓફિસમાં મળેલા આગેવાનોએ પણ ગામની છીનવાઈ ગયેલી સવલતો વિશે વસવસો વ્યક્ત કર્યો હતો.  દામજીભાઈ દેવરાજ નાગડા કહે છે કે, 1957માં રતનશી મુરજી ગાલાએ પોતાના દાનમાંથી ગામમાં હોસ્પિટલ ચાલુ કરાવી હતી. તેમણે જમીન પણ દાનમાં આપી હતી. જે-તે વખતે સરકાર સાથે એવા કરાર થયા હતા કે સરકાર નિભાવે પણ હવે આખાય સંકુલની હાલત જર્જરિત થઈ ગઈ અને હોસ્પિટલ પણ સરકારે બંધ કરતા દુ:ખની લાગણી જૈન સમાજ જ નહીં આખા ગામમાં ફેલાઈ છે. કારણકે આ કોઈને સારવાર આપવાનું કામ તો માનવતાનું છે.  તેમણે કહ્યું કે, એક સમયે 50 ગામના લોકોને અહીં સારવાર મળતી હતી. દાતાઓ 17 એકર જમીન ઉપરાંત 2.50 લાખનું દાન આપ્યું ઉપરાંત ફરતું દવાખાનું પણ શરૂ કરાયું હતું.  સેવા છીનવાઈ ગયા પછી ગામના જ આગેવાન જયંતીભાઈ ઠક્કર જ્યારે  જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન બન્યા તેમના પ્રયાસોથી રેફરલ હોસ્પિટલ બની અને નવું મકાન પણ બન્યું હતું. પરંતુ જે સરકારના કરાર મુજબની સેવાઓ નક્કી કરવામાં આવી હતી તે આજેય મળતી નથી.  ભવ્ય ભૂતકાળ  ડુમરાનું નામ પડે તો આજેપણ જૂના જમાનાના લોકો ગાભુ શેઠ, સ્વ. રતનશી મૂળજી ગાલા, હંસરાજ મૂળજી શાહ, જીવરાજ પૂંજા શાહ જેઓએ ગામની સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશાં યોગદાન આપ્યું છે. શિક્ષણની જ્યોત જલાવી રાખી હતી. સેવાના કાર્યો માટે જમીનો દાનમાં આપી હતી જેને આજે સૌ કોઈ યાદ કરે છે.  ભદ્રમુનિ મ.સા., પદ્મવિજયજી મ.સા., નેમશ્રીજી મ.સા., વેલજી રણશી ડુમરાવાળા, બાઈ સાહેબ, ડો. વિશનજી હરશી ગાલા, એલ.ડી. શાહ, ડો. વિશનજી દેવરાજ નાગડા, લક્ષ્મીચંદ વેરશી કારાણી, લક્ષ્મીબેન નાગડા આ તમામને ગ્રામજનો યાદ કરે છે. ભુજમાં વ્યવસાય અર્થે સ્થાઈ થયેલા રોટેરિયન જયેશભાઈ શાહ પણ પોતાના ગામની વાત આવે તો હંમેશાં દોડી જાય છે. કોઈનો ફોન આવે કે બીમાર છે હોસ્પિટલમાં દાખલ કર્યો છે તો તુરંત દોડી જાય. જરૂર પડે તો આર્થિક મદદ પણ કરે છે. જયેશભાઈ કહે છે કે ભલેને ધંધાર્થે ક્યાંય પણ હોઈએ માતૃભૂમિને ભૂલવાના નથી. તેઓ દરેક પ્રસંગોમાં ગામમાં પહોંચી જાય છે. તેમણે પોતાના ભાઈ સુનિલ શાહ સાથે વિજય ક્રિકેટ ક્લબ પણ બનાવી હતી.  જવાહર નવોદય વિદ્યાલય  કચ્છમાં જવાહર નવોદય વિદ્યાલયની ભેટ ડુમરાને મળી છે તે બદલ ગૌરવ લેતાં ગામના અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન જયંતીભાઈ ઠક્કરે જણાવ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જ હયાતીમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ડુમરામાં જવાહર નવોદય વિદ્યાલય બનાવવામાં આવી છે. 50 એકર જમીનમાં નિર્માણ પામેલી છાત્રાલય સાથેની શાળાની શરૂઆત 1980માં થઈ છે. પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.  જર્જરિત ઈમારતની સુધારણા માટે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સમક્ષ રજૂઆત કરવામાં આવતાં રૂા. 6 કરોડની રકમ મંજૂર થઈ છે. આ વિદ્યાલયના ચેરમેન કલેકટર છે તેઓ અંગત રસ લે તેવી અમારી લાગણી છે.  શિક્ષણ હોય કે રમતગમત પ્રવૃત્તિ અમારું ગામ હંમેશાં આગળ હોય છે. 1995માં અમે વોલીબોલ ટૂર્નામેન્ટ યોજી હતી જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી છબીલદાસ મહેતા કર્યું હતું. તેનો ઉલ્લેખ કરતાં જયંતીભાઈ ડુમરાવાળાએ કહ્યું હતું કે, બિદડા સર્વોદય ટ્રસ્ટ, ભોજાય હોસ્પિટલ, ભાવેશ લકકી સેવા સ્મૃતિ ટ્રસ્ટના નેજા હેઠળ નિયમિત આરોગ્ય કેમ્પ યોજાય છે. ગામની વિવિધ સંસ્થાઓ પણ સહયોગી બને છે. ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના સ્થાપક સ્વ. મહાવીરસિંહ જાડેજાના પ્રયાસોથી શરૂ થયેલી સેવા પ્રવત્તિઓ પણ અવિરત ચાલુ છે. જે હાલના પ્રમુખ ચેતન ગોર ચલાવી રહ્યા છે.  ડુમરાપીર  હિન્દુ-મુસ્લિમોની કોમી એકતાના પ્રતીક એવા ડુમરા પીરની દરગાહે દર સોમવારે અને શુક્રવારે પેડી થાય છે. 21 એપ્રિલે મેળો ભરાય છે અને ગામ ઉપરાંત અનેક ગામના ભાવિકો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે.  કોટિ વૃક્ષ અભિયાન  ગામના જૈન આગેવાન એલ.ડી. શાહના સહયોગથી હિંમતભાઈ વસણ અને જયંતીભાઈ ઠક્કરની આ ટીમે કોટિ વૃક્ષ અભિયાનની શરૂઆત ડુમરા ગામથી કરી હતી. અંદાજે એક લાખ વૃક્ષોનું વાવેતર કરીને વિક્રમ સ્થાપ્યો હતો. આજે ગામે ગામે કોટિવૃક્ષ અભિયાન હેઠળ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. એસ.ડી. શાહ એક એવું નામ છે જે વૃક્ષોની માવજત કરવાનું જાણે છે અને 80 વર્ષની વયે પણ તેઓ જળસંચયનું કામ હોય કે આરોગ્ય સેવાનું હંમેશાં પહોંચી જાય છે. આજે કચ્છના કોટિ વૃક્ષ અભિયાન એટલે લોકો એલ.ડી. શાહના નામે ઓળખે છે.  સરપંચોની સેવા  હંસરાજ પ્રેમજી, હંસરાજ શેઠ, હીરજી ડુંગરશી, ગાભુ શેઠ, ખીમજી જીવરાજ, જેઠાલાલ ઉકેડા, રતનશી શાહ, મમતાબેન ઠક્કર, લાલજીભાઈ મહેશ્વરી, ભક્તિબેન ઠક્કર, ખમુ મંગલ કટુઆ. આ તમામ સરપંચોએ પોતાના સમય દરમ્યાન ગામના વિકાસ કાર્યો કર્યા હતા.  સૂકી ખેતી પિયત થઇ  ડુમરા વિસ્તારમાં સૂકી ખેતી હતી પરંતુ ભૂકંપ પછી તત્કાલીન મુખ્યમંત્રી સુરેશ મહેતાની મદદથી સેટેલાઇટ નકશાની ભૂગર્ભ પાણીની શક્યતાઓ ચકાસવામાં આવી અને મીઠા પાણીના ભંડાર મળી આવતાં ગામની સેવા સહકારી મંડળી મારફતે 190 બોર કરાવવામાં આવ્યા         હોવાનું જયંતીભાઇ ઠક્કરે જણાવ્યું હતું. આજે આ ગામની ખેતી બોરથી પિયત થઇ જતાં 3500 એકરમાં કપાસ, ઘઉં, દાડમ અને ખારેકના પાક ખેડૂતો લઇ રહ્યા છે.  શું કહે છે હાલના સરપંચ ?  ગામના વર્તમાન સરપંચ પદે મહિલા રાજશ્રીબેન ગઢવી ચૂંટાયા છે. તેમણે કહ્યું કે, અમારા ગામમાં મોટાભાગના બાકી રહેતા સી.સી. રોડ મંજૂર થઇ ગયા છે. અત્યાર સુધી જે વિસ્તારોને રોડ નથી મળ્યા તેઓને પહેલી વખત પાકા સિમેન્ટ રોડ મળશે. એલ.ઇ.ડી. લાઇટ પણ ટૂંક સમયમાં ઝળહળતી હશે.  પ્રા. આરોગ્ય કેન્દ્રની મંજૂરી મળી છે. એમ.બી.બી.એસ. ડોકટર હાજર થઇ ગયા છે. સિવાય થોડી પીવાનાં પાણીની તકલીફ છે અને શિક્ષકોની ઘટ છે, તે પૂરી કરવાના પ્રયાસો ચાલુ છે. તેમના પ્રયાસોથી બંધ પડેલી 108ની સેવા 24 કલાક માટે મળતી થઇ ગઇ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer