આદિપુરથી અંતરજાળને જોડતો બિસમાર માર્ગ મરંમત માગે છે

આદિપુરથી અંતરજાળને જોડતો  બિસમાર માર્ગ મરંમત માગે છે
આદિપુર, તા. 13 : અહીંના નવા બંધાયેલા એસ.ટી. બસ સ્ટેશનથી અંતરજાળ તરફ જતો મુખ્ય માર્ગ પથરાળ બની જતાં, સેંકડો વાહનચાલકો, રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે. નગરની ભાગોળે આવેલા અંતરજાળ ગામથી આવતો મુખ્ય માર્ગ વર્ષોથી ઉબડખાબડ સ્થિતિમાં છે. આ માર્ગ પર પણ રોયલ, ઓમ, અર્બુદાનગર જેવી વિવિધ વસાહતો આવેલી છે. જેમાં રહેતા રહીશોને ફરજિયાત આ માર્ગ પરથી જ પસાર થવું પડે  છે. તેમજ અંતરજાળ વિસ્તારની પણ મોટા ભાગની વિવિધ વસાહતોના સેંકડો રાહદારીઓ તેમજ દ્વિચક્રી વાહનચાલકો અહીંથી પસાર થાય છે. આ માર્ગ પથરાળ હોવાથી ઘણીવાર નાના વાહનો સ્લીપ થઇ જવાના બનાવો પણ બને છે. આ માર્ગને પાકો બનાવાય તે માટેની માંગ નાગરિકો કરી રહ્યા છે. ને જ્યાં સુધી ડામર કે સિમેન્ટ રોડમાં ન ફેરવાય ત્યાં સુધી ઇજનેરી સલાહ લઇને કમસે કમ પથરાળ હાલતમાંથી મુક્તિ મળે એવી ગતિવિધિ જરૂરી બની છે. કાચા માર્ગના કારણે અહીંથી સતત પસાર થતા મોટા વાહનોના કારણે સતત ધૂળ ઊડતી રહે છે. જે પણ?ઘણીવાર નાના એવા અકસ્માતનું કારણ બને છે. પંચાયત આ માર્ગની મરમ્મત માટે તાત્કાલિક ઘટતું કરે એવી માગણી વિવિધ વસાહતોના  નાગરિકોએ પણ કરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer