બાળ મૃત્યુદર ઘટાડવા બિદડામાં સેમિનાર યોજાયો

બાળ મૃત્યુદર ઘટાડવા બિદડામાં સેમિનાર યોજાયો
ભુજ, તા. 13 : અમેરિકન હાર્ટ એસોસિયેશન અને બિદડા સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કચ્છમાં સૌપ્રથમવાર બિદડા ખાતે બાળક જન્મે ત્યારે ગંભીર હાલતમાં હોય છે ત્યારે તેને બચાવી બાળ મૃત્યુદર ઘટે એ ઉદ્દેશ સાથે સેવ ચિલ્ડ્રન્સ લાઇફ પર બેદિવસીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભુજની અદાણી મેડિકલ કોલેજ, લેવા પટેલ હોસ્પિટલ અને નર્સિંગ સ્ટાફના 35થી વધુ બાળ વિભાગના છાત્રોને તાલીમ અપાઇ હતી. ચિલ્ડ્રન હોસ્પિટલ ચિકાગોના બાળ વિભાગના હેડ રોહિતકુમાર વસાએ જણાવ્યું કે, ગુજરાતમાં બાળમૃત્યુ આંકનું પ્રમાણ વધારે છે અને એમાં પણ કચ્છમાં વધુ છે. ખાસ કરીને 0થી 5 વર્ષનાં બાળકો શ્વાસ લેવા, ઝાડા-ઊલટી અને સેરેબ્રલ પાલ્સીના કારણે મૃત્યુ પામતા હોવાનું જણાયું છે. યુ.કે. હેલ્થ કેર કન્ટકી ચિલ્ડ્રન હોસ્પિટલના પીડિયાટ્રીક પ્રોફેસર ડો. નિર્મલા દેસાઇએ જણાવ્યું કે, બાળકનો જન્મ થાય ત્યારે તે શ્વાસ લેવો જોઇએ. જો શ્વાસ ન લે તો તે મૃત્યુ પણ પામી શકે છે. જેથી તેને પૂરતી સારવાર આપવી જરૂરી છે. કચ્છમાં આવા પ્રકારના સેમિનારના માધ્યમથી લોકજાગૃતિ કેળવવા અપીલ કરી હતી. અમેરિકાના એનેસ્થેટિક કેરના ચીફ અને બિદડા ખાતે જાન્યુ. માસમાં સેવા આપવા આવતા ડો. નીતિન શાહે જણાવ્યું કે, નાના ગામોમાં નવજાત બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તેવા સરકારે પ્રયાસો કરવા જોઇએ અને એમાં બિદડા સર્વોદય ટ્રસ્ટ સહભાગી બનશે તેવી ખાતરી આપી હતી. અમેરિકાના હાર્ટ એસોસિયેશનના સલાહકાર ડો. જોજો ફેરસે કહ્યું હતું કે, આવા સેમિનાર ટાન્ઝાનિયા અને આફ્રિકામાં કર્યા બાદ મૃત્યુઆંકમાં ઘટાડો થયો હોવાનું જણાવી આવા સેમિનાર માટે અમેરિકન હાર્ટ એસો. દ્વારા સહયોગ અપાશે તેવી ખાતરી આપી હતી. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાએ સૌને આવકાર્યા હતા. તેમણે જાન્યુઆરીમાં યોજાનારા મેગા મેડિકલ કેમ્પમાં આવવા માટેનું ઇજન આપ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer