દેવાલયોને દીપાવવા ભાવિકો દ્વારા ખર્ચાતી લક્ષ્મી મહાલક્ષ્મી બની જાય

દેવાલયોને દીપાવવા ભાવિકો દ્વારા ખર્ચાતી લક્ષ્મી મહાલક્ષ્મી બની જાય
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 13 : તાલુકાના નાની ઉનડોઠ ગામે આવેલા નીમળીવાળા વાછરાદાદાના મંદિરે મંદિર પરિસરને વધુ શોભા બક્ષવા માટે દાતા દ્વારા નિર્માણ પામનારા નૂતન પ્રવેશદ્વારનું ભૂમિપૂજન કરાયું હતું. આ અવસરે શાત્રોક્ત વિધિ વિધાન કર્યા બાદ આશીર્વચન આપતાં કાનજીભાઈ મારાજે જણાવ્યું હતું કે દેવાલયોને દીપાવવા માટે ભાવિકો દ્વારા ખર્ચાતી લક્ષ્મી મહાલક્ષ્મી બની જાય છે અને ખર્ચ કરનારને તેનું પુણ્ય અવશ્ય મળે છે. દાતાઓ સામાજિક, આર્થિક અને ધાર્મિક વિકાસની આધારશીલા સમાન હોઈ દાતાઓ થકી જ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ દૃષ્ટિગોચર થાય છે. નિર્માણ કાર્યના મુખ્ય દાતા મૂળ મોટા ભાડિયા હાલે ગાંધીધામના રમેશભાઈ ભવાનજીભાઈ જોશીએ કહ્યું હતું કે, ઈશ્વરે આપેલા સારા કર્મો અને તેની ફલશ્રુતિના પરિપાકરૂપે પોતાની જન્મભૂમિ એવા આ ગામના ધાર્મિક કેન્દ્રના સ્થળે ઝવેરબાઈ ભવાનજી જોશીના નામકરણ સાથેના કલાત્મક પ્રવેશદ્વાર નિર્માણની ઈચ્છા હતી જે આજે પૂરી થવા જઈ રહી છે. ગામના મોભી મૂરજીભાઈ ખીમરાજભાઈ ગઢવીએ દાતાની ભાવનાની સરાહના કરી યાત્રાધામના વિકાસમાં સહભાગી થવા બદલ આનંદની લાગણી પ્રદર્શિત કરી હતી. મોટા ભાડિયાના સરપંચ નાગશીભાઈ ગઢવી, સ્થાનિક આગેવાનો જાદુભાઈ, શંભુભાઈ, વાલાભાઈ, સુમારભાઈ, અભય ખીમરાજ, વિશ્રામ મારાજ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ સરપંચ જીવરાજ મૂરજીભાઈ ગઢવીએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer