કચ્છમાં આરોગ્યક્ષેત્રે ખર્ચ માત્ર 35 ટકા, ડિસેમ્બરમાં 75 ટકાએ પહોંચાડવા આદેશ

ભુજ, તા. 13 : કચ્છમાં આરોગ્યક્ષેત્રે નાણાકીય ખર્ચની સમીક્ષા કરતાં જિલ્લાના આરોગ્ય પ્રભારીએ એપ્રિલથી ઓકટોબર સુધી 35 ટકા ખર્ચ થયો હોવાથી ડિસેમ્બર અંતિત સુધી ખર્ચ 75 ટકા સુધી પહોંચે તેટલી કામગીરી કરવા સૂચના આપી હતી. ભચાઉના ટ્રોમા સેન્ટર અને સા.આ. કેન્દ્ર તેમજ ગાંધીધામની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ આરોગ્ય પ્રભારી અને નાયબ નિયામક ડો. દિનકરભાઇ રાવલે જિલ્લાની આરોગ્ય કામગીરીની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, દરેક પ્રા.આ. કેન્દ્રમાં મહિને 10 પ્રસૂતિ થવી જ જોઇએ, જો એમ.બી.બી. એસ. ડોકટર હોય પણ પ્રસૂતિ ન કરાવતા હોય તો તેમને જ્યાં વધુ પ્રસૂતિ થાય છે તેવા સી.એચ.સી.માં મોકલી તાલીમ આપો તેવી સૂચના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પંકજભાઇ પાંડેને આપી હતી. આ સા. કેન્દ્રમાં દર મહિને ઓછામાં ઓછી 30 સુવાવડ થવી જોઇએ તેવું જણાવી ગાંધીધામ, અંજાર, ખાવડા, રાપર, નલિયા, દયાપર, ભચાઉ, નખત્રાણા, મુંદરામાં વધુ થતી હોવાથી ત્યાંના મે.ઓ.ને બિરદાવ્યા હતા. જ્યારે ઓછી કામગીરીવાળા પલાંસવા, લાકડિયા, જનાણ, ઢોરી, દુધઇ, દરશડી, સી.એચ.સી.ના મે.ઓ.ને વધારવા તાકીદ કરી હતી. તા. 24\7 દવાખાનામાં પણ પ્રસૂતિ કરાવવી ફરજિયાત હોવાનું કહ્યું હતું. ડો. રાવલે ડી.એચ.ઓ.ને નલિયામાં બ્લડ બેન્ક કાર્યરત કરવા અને લેબ. ટેકનિશિયન નીમવા તાકીદ કરી હતી. ટી.બી. કાર્યક્રમની સમીક્ષા કરતાં સી.ડી.એચ.ઓને ધ્યાન આપવા જણાવી જિલ્લા ક્ષય અધિકારી ડો. કતિરા અને ટીમની મહેનત સારી હોવાનું જણાવ્યું હતું. સ્વાઇન ફલુ અને સંચારી રોગોની કામગીરી અંગે સંતોષ દર્શાવ્યો હતો. ગર્ભવતી મહિલાઓ અને 0થી બે વર્ષના બાળકો રસીકરણથી વંચિત ન રહે તે માટે તેમને કાર્ડ આપવા, બે વર્ષ સુધીના બાળકોની યાદી સંબંધિત પ્રા.આ. કેન્દ્રના મે.ઓ.ની ટેબલ પર હોવી જોઇએ જેમાં ઝૂંપડપટ્ટી અને બહારથી આવેલા શ્રમિકોના બે વર્ષ સુધીના બાળકોને પણ આવરી લેવા તાકીદ કરી હતી. નાયબ નિયામકે ભુજ, ગાંધીધામ, માંડવી અને અંજાર શહેરોની આરોગ્ય કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હોવાનું સી.ડી.એચ.ઓ. ડો. પાંડેએ જણાવ્યું હતું. 

ભુજના 86 ઘરમાં ડેન્ગ્યુના લારવા મળ્યા 
ભુજ, તા. 13 : કચ્છમાં મેલેરિયા અને ડેન્ગ્યુની કામગીરી સંબંધે જિલ્લાના આરોગ્ય પ્રભારી ડો. રાવલે બે દિવસ પૂર્વેની મુલાકાતમાં સમીક્ષા કરતાં અસંતોષ દર્શાવ્યો હતો. ભુજ શહેર અને તાલુકાના દિનારા, કુકમા, માધાપર, ભીરંડિયારા તેમજ દેશલપર (ગુંતલી), રવાપર, નેત્રા, નિરોણા, વાયોર અને જખૌમાં મેલેરિયા વધી રહ્યો હોવાથી ટીમો લગાડવા સૂચના અપાઇ હતી. આ અંગે જિલ્લા મેલેરિયા અધિકારી એ.એમ. ભટ્ટને પૂછતાં તેમણે જરૂરિયાત મુજબ કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું. ભુજમાં તા. 10ના બે સભ્યની એક એવી 20 ટીમો અને સાત સુપરવાઇઝર સાથે સંવેદનશીલ વિસ્તારના 1580 ઘરનો સર્વે કરાવાયો હતો, જેમાં86 ઘરમાં ડેન્ગ્યુના લારવા મળ્યા હતા. તે પાણીના પાત્રો ખાલી કરાવાયા હતા. ભુજમાં પહેલા અને ત્રીજા શનિવારે આ કામગીરી કરાશે તેવું ઉમેર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer