અંજારની બે શાળાને શિક્ષણતંત્રની નોટિસ

ભુજ, તા. 13 : વિદ્યાર્થી ભણે નહીં, એ ભૂલ કહેવાય, પરંતુ શિક્ષક ભણાવે નહીં, તે અપરાધ કહેવાય. આવા અપરાધને પકડી પાડવાના હેતુ સાથે સોમવારે અચાનક મુલાકાત લઇને જિલ્લાનાં શિક્ષણતંત્રએ અંજારની બે જાણીતી શાળાને નોટિસ ફટકારતાં કચ્છના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.  જિલ્લા શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળની તપાસ ટીમે આજે અંજારની શેઠ ડી.વી. સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા તેમજ કે.કે. એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી હતી. બન્ને શાળામાં નિયત સમય કરતાં મોડા આવેલા અને કોઇ જાતના રિપોર્ટ કે પૂર્વમંજૂરી વિના ગેરહાજર શિક્ષકો, કર્મચારીઓનાં મસ્ટરમાં રજા મૂકી દેવા સાથે શિક્ષણ પ્રશાસનની ટીમે નોટિસો ફટકારી હતી. જિલ્લાના શિક્ષણ નિરીક્ષક વસંત તેરૈયા, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો એલ. કે. યાદવ અને એચ. કે. ગરવાને સમાવતી આ ટીમે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને શિક્ષણકાર્યમાં ઊણપો તેમજ અભિપ્રાય જાણ્યા હતા. બન્ને શાળાના અનિયમિત જણાયેલા શિક્ષકો તેમજ આચાર્યોને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સ્વખર્ચે રૂબરૂ હાજર થઇને ખુલાસો કરવાની તાકીદ કરાઇ હતી. ઉપરાંત, શાળાઓના હાજર સ્ટાફ સભ્યો સાથે બેઠક યોજીને આગામી પરીક્ષાઓમાં 100 ટકા પરિણામ આવે તે સ્તરનું ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાના પ્રયાસો કરવા અને તે અંગેની જાણકારી આપવા સૂચના અપાઇ હતી. હવેથી કોઇપણ શિક્ષક કે કર્મચારી મોડા ફરજ પર ન આવે કે કારણ વગર જાતે રજા ન પાળે તે સુનિશ્ચિત કરી સ્થિતિ સુધારવાની તાકીદ કરાઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer