સયાજીનગરી ટ્રેન અઢી કલાક મોડી પડતાં ઉતારુઓ પરેશાન

ગાંધીધામ, તા. 13 : મુંબઇ (દાદર)થી ભુજ આવતી સયાજીનગરી ટ્રેન માસ બ્લોકના કારણે ભુજથી રવિવારના આવ્યા બાદ બોરીવલીથી રવિવારે પાછી વાળવામાં આવી હોવા છતાં અઢી કલાક જેટલી મોડી પડી હતી. અલબત્ત, રેલવે સાથે સંકળાયેલા વર્તુળો તથા મુંબઇના પેસેન્જર એસોસિયેશન દ્વારા વોટ્સએપ ઉપર પણ જણાવેલું હોવાથી મુંબઇથી કચ્છ તરફ આવનારાઓની માનસિક તૈયારી હતી પણ વચ્ચેના સ્ટેશનોથી ઉતારુઓને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. ટ્રેનમાં મુસાફરી કરતા ઉતારુઓએ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, બોરીવલી સુધી ટૂંકાવેલી ટ્રેનની સફાઇ બાદ અઢીના બદલે 4 વાગ્યે ઉપાડવામાં આવેલી, પણ ડબ્બાઓમાં પાણી ન હોવાથી વાપી પાસે અડધો-પોણો કલાક ઊભી રાખી પાણી ભરવામાં આવેલું. પણ ત્યારબાદ ટ્રેનને ઝડપથી પહોંચાડવા તરફ સ્પષ્ટ ઉદાસીનતા દેખાતી હતી. સુરત ઘરે મા-બાપને મળવા આવેલી બે યુવતીઓ જે અમદાવાદ નોકરી કરે છે તે રાત્રિના ત્રણ વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી, તેમણે જણાવેલું કે `ગમે તે હાલત હોય પણ?કાલે કામ ઉપર તો હાજર થવાનું હોય ને' ! રેલવે સત્તાવાળાઓએ સોમવારથી સયાજીનગરી રોજિંદા સમયે આવશે-જશે તેવી આશા વ્યક્ત કરી છે ! 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer