ચૂંટણીમાં માંડવી તાલુકાના સરપંચની મહત્ત્વની ભૂમિકા

માંડવી, તા. 13 : માંડવી-મુંદરા વિધાનસભા બેઠક ઉપર વિવિધ સમીકરણોએ સારી એવી ઉત્તેજના સાથે અસમંજસ ઊભી કરી છે ત્યારે ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ગ્રામ્ય મતો ઉપર ગામ સુકાનીઓનું નિયંત્રણ હોવાથી સરપંચો પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. માંડવી તાલુકાની વાત કરીએ તો 80 ટકાથી વધુ સરપંચો શિક્ષિત અને સક્રિય છે. ગ્રામીણ વિકાસને આગળ ધપાવતાં વિવિધ સરકારી યોજનાઓ, ગામની પાયાની સગવડો, લોકપ્રશ્નોને સરપંચોની જાગૃતતાના કારણે ગામડાઓનો વિકાસ વેગવાન બન્યો છે. માંડવી તાલુકાના સરપંચોની દર મહિને યોજાતી બેઠકમાં ગામડાંના પ્રશ્નો, અનિવાર્ય વિકાસ માટે પરામર્શ કરવામાં આવે છે અને લોકપ્રશ્નોની સબળ રજૂઆત પણ સંબંધિત તંત્રોમાં કરવામાં આવે છે. માંડવી તાલુકા સરપંચો યુવા શક્તિનો પરચો પૂરો પાડતા સંગઠિત છે અને લોકો માટે સતત ચિંતિત હોવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં સરપંચો પણ અનેરી ભૂમિકા અદા કરશે, તેવું માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વરજાંગ ગઢવી, કિશોર ગઢવી (મોટા લાયજા), વસંત મહેશ્વરી (માપર), વીરજી કોલી (બાડા), કીર્તિ ગોર (મસ્કા), ભારુ ગઢવી (કાઠડા), ઓસમાણ ગની (ફરાદી), વિરમ ગઢવી (નાના લાયજા), કાંતિ ભાનુશાલી (શિરવા) સહિત સરપંચોએ પોતાના વિચાર વ્યકત કર્યા હતા,  તેવું માંડવી તાલુકા સરપંચ સંગઠનની એક યાદીમાં જણાવાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer