ઉમેદવારી પત્ર આ વખતે 23 પાનાનું

ભુજ, તા. 13 : કચ્છમાં ધારાસભ્યની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર (ફોર્મ) બહાર પાડી દેવામાં આવ્યા છે. ફોર્મમાં ભરવાની થતી વિગતો ઉપરાંત જુદા જુદા પ્રકારના સોગંદનામા પણ રજૂ કરવા પડશે અને તેના માટે  23 પાનાનું ફોર્મ બનાવવામાં આવ્યું છે. નોટબંધી પછી મોટાભાગના આર્થિક વ્યવહાર ડિજિટલ થઇ ગયા છે અને આધાર તથા પાનકાર્ડ ફરજિયાત બનાવાયા છે ત્યારે વિધાનસભાની ચૂંટણી લડવામાં પણ હવે પાનકાર્ડ ફરજિયાત બનાવાયું છે. ઉમેદવારી પત્રકમાં દર્શાવાયેલી વિગતો પ્રમાણે ઉમેદવારની સામાન્ય માહિતી તો ભરવાની હોય છે પરંતુ ઉમેદવારી કરવા વાળા વ્યકિતએ પોતાના લગ્નસાથી અને આશ્રિતો બાળકો વગેરેની પણ સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ફોર્મમાં જણાવાયા પ્રમાણે ઉમેદવાર તથા લગ્નસાથી, આશ્રિતોના પાન નંબર અને આવકવેરાના રિટર્ન પણ આપવા પડશે. જે આવકવેરામાં દર્શાવવામાં આવતી હશે તે રકમ ફોર્મમાં પણ ભરવી પડશે ઉપરાંત કાયદાકીય વિગતો, પોલીસ ફરિયાદ આ બધું તો જે અગાઉ હતું તે રહેશે. મિલકત વગેરેની બાબતો પણ અગાઉ મુજબ યથાવત રાખવામાં આવેલી છે. ફોર્મમાં જે હકીકત દર્શાવવામાં આવેલી હંશે તેનું સોગંદનામું અલગ અલગ કરવાનું રહેશે. ઉમેદવારની સાથે દરખાસ્ત મૂકનાર 10 વ્યક્તિઓ જે તે મત વિસ્તારના જ હોવા જરૂરી છે. ચૂંટણી લડનાર વ્યકિતને જો કયારેય સજા થઇ હોય, કોઇ કેસમાં દોષી ઠરેલા હોય તો આ બાબતની સચ્ચાઇ પણ દર્શાવવી પડશે. નામાંકનપત્ર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં બહાર પાડવામાં આવ્યા હોવાથી કોઇપણ ભાષામાં ફોર્મ ભરી શકાય છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer