ગુજરાતી ફિલ્મોનો પ્રચાર-પ્રસાર ઓછો થયો છે : તે દિશામાં નક્કર પ્રયાસ જરૂરી

ગુજરાતી ફિલ્મોનો પ્રચાર-પ્રસાર ઓછો  થયો છે : તે દિશામાં નક્કર પ્રયાસ જરૂરી
ગાંધીધામ, તા. 13 : ગુજરાતી ફિલ્મનો ચહેરો બદલ્યો છે, વિષય વસ્તુ બદલી છે. આ બદલાવ સમયોચિત છે અને દર્શકોને પસંદ પણ પડયો છે પરંતુ ફિલ્મના નિર્માણ બાદ થવો જોઇએ તેટલો પ્રચાર-પ્રસાર નથી થતો. ફિલ્મના પ્રચાર-પ્રસાર માટે નક્કર કામગીરી થવી જોઇએ તેવું મૂળ મુંદરા તાલુકાના બારોઇ ગામના વતની અને મુંબઇ ખાતે વિવિધ ગુજરાતી નાટકો, ગુજરાતી સિરિયલમાં અને હાલ ફિલ્મોમાં અભિનયનાં ઓજસ પાથરતા સુનીલ વિશ્રાણીએ જણાવ્યું  હતું. વતન કચ્છની મુલાકાતે આવેલા કચ્છી કલાકારે કચ્છમાં આવીએ એટલે આનંદ જ આનંદ હોય તેવું જણાવી ચહેરા પર પ્રફુલ્લતા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોના કથાનકમાં સારા સારા વિષયો દર્શાવવામાં આવતા હોય છે પરંતુ તે દર્શકો સુધી પહોંચતા નથી. દેશના અન્ય પ્રાદેશિક ભાષાના લોકો પહેલાં પ્રાદેશિક ભાષાની ફિલ્મ, પછી જ હિન્દી ફિલ્મ જોશે જ્યારે ગુજરાતી દર્શકો પર હિન્દી ફિલ્મોનો પ્રભાવ વધુ છે તેનું કારણ ઓછો પ્રચાર-પ્રસાર છે. આ દિશામાં ગંભીરતાપણે વિચારવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. સબ ટીવી પર પ્રસારિત થયેલી પાપડ પોલ સિરિયલમાં લાજી મેરાઇની મુખ્ય ભૂમિકા અને 2011માં લાઇફ ઓકેની અલક્ષ્મીમાં મોટા ભાઇના પાત્રએ ખૂબ ચાહના મેળવી હતી. તો અફીણી સિરિયલમાં કાનજી મારાજના પાત્ર?દ્વારા તેમણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. સિરિયલ બાદ 2008માં ખીચડી ફિલ્મમાં પ્રથમ વખત ભૂમિકા આવ્યા બાદ `વંદે માતરમ્', ઘનચક્કર, ઓલ ઇઝ વેલ, બેન્ગીસ્તાન, રોકી હેન્ડસમ જેવી 13 ફિલ્મો અને 27 જેટલી જાહેરાતોમાં અભિનય કરનારા આ કચ્છી કલાકાર હવે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તેઓ હાલ છ ગુજરાતી, બે મરાઠી ફિલ્મોમાં કથા લખી રહ્યા છે. તેમણે આગામી દિવસોમાં રાપર તાલુકાના વ્રજવાણી ગામ ઉપર ફિલ્મ બનાવવા અને કચ્છી નાની વાર્તાઓના વધુ પ્રચાર-પ્રસાર માટે કચ્છી વેબ સિરીઝ બનાવવાની ભાવિ યોજના હોવાનું જણાવ્યું હતું. અભિનય ક્ષેત્રે આગળ આવવા માગતા માટે સતત નવું જાણવું અત્યંત જરૂરી હોય છે. આ ક્ષેત્રે આગળ આવવા ઇચ્છતા કચ્છના કલાકારોએ કચ્છ બહારની દુનિયા જોવી જોઇએ તેવું જણાવ્યું હતું. તેમની સાથેની મુલાકાત વેળાએ કચ્છના કલાકારો પ્રદીપ જોશી, લય અંતાણી ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer