ગાંધીધામમાં વિવિધ રોગના 130 દર્દી તપાસી 12ની નિ:શુલ્ક શત્રક્રિયા

ગાંધીધામ, તા. 13 : અહીંના મતિયા દેવ સેવા ટ્રસ્ટ ગાંધીધામ અને મહેશ્વરી મેઘવાળ સમાજ મહેશ્વરીનગર દ્વારા નવમા નિ:શુલ્ક જનરલ સર્જરી કેમ્પનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. ધીરૂભાઇ સ્વરૂપચંદ શાહના સ્મરણાર્થે વાગડ સર્વોદય હોસ્પિટલ ભચાઉના સહયોગથી યોજાયેલા કેમ્પમાં પેશાબ, પથરી, થાઇરોડ, હરસ મસા અને સારણ ગાંઠના 130 દર્દીઓ તપાસવામાં આવ્યા હતા જે પૈકી 12 દર્દીઓને ઓપરેશન માટે ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને વિના મૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ભચાઉ હોસ્પિટલના જનરલ સર્જન ડો. કેતન પંડયા, મુંબઇના ડો. જીગ્નેશ છેડા, ડો. મયૂર છેડા, ફાર્માસિસ્ટ જીતુ શાહ, પારૂલબેન શાહે સેવા આપી હતી. કેમ્પનું ઉદ્ઘાટન સુરેશભાઇ શાહના હસ્તે કરાયું હતું. આ વેળાએ વાગડ સર્વોદય હોસ્પિટલના ચેરમેન લીલાધર માણેક ગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ નારણભાઇ કોચરા, વેલજીભાઇ મહેશ્વરી, નાગશી મહેશ્વરી, મંગલ મહેશ્વરી, મનીષાબેન ધુવા, કિશોર મહેશ્વરી, મહેશ્વરી નગર સમાજના પ્રમુખ પૂનમ ચુંણા, ગાભુ ગડણ, ગોપાલ પારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer