ગટર-પાણી-ગેસની લાઇનો બાજુ-બાજુમાં જ કાં ?

ભુજ, તા. 12 : આયોજન વિના જ વર્ષોથી એક જ ઘરેડમાં નખાતી પાણી-ગટરની લાઇનો અને પથરાતા કેબલના કારણે એક કાર્ય ઉકેલાય સાથે બીજી સમસ્યા સર્જાતી હોય છે. નવા આયોજનોમાં પણ આ બાબત ધ્યાને નથી લેવાતી અને યંત્રવત અને સૂચનાથી બંધાયેલા કામદારો નુકસાની સાથે પણ કાર્ય કરે જાય છે જે લોકો માટે સમસ્યા સર્જી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. અધૂરામાં પૂરું હવે ઉપરોકત કાર્યો સાથે જ ગેસની લાઇનો નખાઇ રહી છે જેથી ભવિષ્યમાં ખોદાણ દરમ્યાન તેને પણ નુકસાન થાય તેવી પૂરી શક્યતા રહેલી છે.  ભુજ શહેરમાં વારંવાર ખોદકામ દરમ્યાન કાં તો ફોનના કેબલ કપાય અને કાં તો ગટર-પાણીની લાઇનો તૂટે. આ સમસ્યા કાયમી થઇ ગઇ છે. તેમાંય હવે ગેસની લાઇનો નખાઇ રહી છે. સરકાર દ્વારા તૈયાર કરાતા પ્લાન-એસ્ટિમેટમાં પણ લાઇનો આસપાસ હોવાની બાબત નજરઅંદાજ કરાઇ રહી  છે. જ્યારે પણ લાઇન મરંમત હાથ ધરાય ત્યારે કેબલ તૂટે અને કેબલનું કાર્ય થતું હોય ત્યારે પાણી-ગટરની લાઇનોમાં ભંગાણ સર્જાય અને આ સમસ્યાનો ભોગ અંતે લોકો જ બને.  જાગૃત લોકો આ આયોજનને કમાણીનું સાધન પણ લેખાવી રહ્યા છે. નવા કાર્ય સાથે જૂનામાં નુકસાન પહોંચે અને ફરી મરંમતના નામે જે-તે તંત્રો તગડા બિલ બનાવે જેમાં અનેકનો ભાગ સંકડાયેલો હોવાનો પણ આક્ષેપ ઊઠી રહ્યો છે.   ઇન્જીનીયર કક્ષાના તો ઠીક સામાન્ય લોકોને પણ ખ્યાલ પડે કે કેબલ, ગટર, પાણીની લાઇનો દૂર રખાય તો જે-તે કાર્ય સમયે અન્યને નુકસાન ન પહોંચે પરંતુ તેવું આયોજન સરકારી કક્ષાએ પણ નથી થતું જે દુ:ખની બાબત છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, નવા કાર્યના ખોદાણમાં પણ સખત જગ્યા હોય અને જો બાજુમાં પોચી જમીન હોય તો ત્યાં ખોદી નાખી અને મહેનત-પૈસા બચાવવાનું આયોજન કરાતું હોવાનું સૂત્રોમાંથી જાણવા  મળ્યું છે.  આ ઉપરાંત જે-તે તંત્ર દ્વારા લાઇનો-કેબલ નખાયા હોય તેની જાણ અન્યને નથી હોતી અને આડેધડ ખોદકામથી વારંવાર ક્ષતિ સર્જાતી હોય છે.  ભવિષ્યને ધ્યાને લઇ આયોજન હાથ ધરાય તેવી લોકમાંગ ઊઠી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer