ગુંદાલાના 70 વર્ષીય વયસ્કોએ પોતાના ગુરુની વંદના યોજી

ગુંદાલાના 70 વર્ષીય વયસ્કોએ  પોતાના ગુરુની વંદના યોજી
ભુજ, તા. 13 : સાહેબ, તમે ગવડાવતા હતા એ પ્રાર્થના આજે ફરી સંભળાવો... મને જોરથી ધુમ્બો મારો.. અર્ધા-પોણાના પાળા હજુ મોઢે છે... પુંઠા ચડાવતા અને બાગકામ કરતાં તમે શીખવાડયું તે ભૂલાયું નથી... તમે આપેલી પીપરનો સ્વાદ હજુ મોમાં અકબંધ છે... આ અને આવા ભાવભર્યા વાક્યો બોલતા હતા, પાંસઠ-સિત્તેર વર્ષના બુઝુર્ગ ગુંદાલાવાસીઓ..!  પ્રસંગ જ કૈંક એવો હતો. 1949થી 1965 સુધી મુંદરા તા.નાં ગુંદાલા ગામની પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ગયેલા પ્રાણલાલ હીરજીભાઇ ઠાકર સાથે તેમના ધોળા વાળવાળા વિદ્યાર્થીઓએ સ્નેહમિલન યોજી ગુરુવંદના કરી હતી. વૃદ્ધાવસ્થાને કારણે ગુંદાલા ન જઈ શકનાર પ્રાણલાલભાઈ સાથે ભાવવંદનાનો મેળાવડો યોજ્યો ભુજના કચ્છી વીશા ઓસવાલ સંકુલમાં.    ગુંદાલા ગામના પચાસના દાયકાના વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી આ મિલન યોજવા ઉત્સુક હતા. કચ્છ અને કચ્છ બહાર વસતા પૂર્વ વિદ્યાર્થીઓએ એકબીજાનો સંપર્ક કરી મળવા નક્કી કર્યું. તમામ વર્ણના વિદ્યાર્થીઓ ગુરુપ્રેમથી પ્રેરાઈ ભુજ આવ્યા. એકબીજાને હળ્યા-મળ્યા, હેતથી ભેટ્યા, કેટલાક પાંચ દાયકા પછી એકમેકને મળતા હતા. બધાની આંખમાં હર્ષના અશ્રુ હતા. બધાએ બાળક બની પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. પ્રાણલાલભાઈએ પ્રાર્થના ગવડાવી હતી. ખાટા-મીઠા સંભારણા તાજા કર્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓએ 89 વર્ષની ઉમરના પોતાના ગુરુ પ્રાણલાલભાઈની રજત સ્મૃતિચિહ્ન, શાલ, હાર અને ગુંદાલા બનાવટની મીઠાઇ દ્વારા અનુમોદના કરી હતી. ઉપસ્થિત સૌ ભાવવિભોર બની ગયા  હતા. બધાએ સાથે ભોજન લીધું હતું. સમગ્ર સંકલન નાનજી હીરજી સત્રાએ કર્યું હતું.   સંચાલન ચંદ્રવદન મહેતા `સારસે' કર્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer