ચૂંટણી સભા-સરઘસ પરવાનગી સિવાય નહીં યોજી શકાય?

ભુજ, તા. 13 : આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2017ની તારીખો જાહેર થઇ ચૂકી છે અને આદર્શ આચારસંહિતા અમલી આવેલ છે. જે સંદર્ભે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતિ જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં પરવાનગી લીધા સિવાય કોઇ વ્યકિતઓની મંડળી અને સભા/સરઘસ નહીં યોજી શકાય તેમજ રાત્રિના 10 વાગ્યા પછી કોઇ વ્યકિતઓની મંડળી અને સભા/સરઘસની પરવાનગી આપવામાં નહીં આવે તેમ અધિક જિલ્લા મેજિ. ડી. આર. પટેલે જાહેરનામા દ્વારા જણાવ્યું  હતું. આ જાહેરનામા મુજબ તા.27/11/2017 સુધી  સમગ્ર કચ્છ  જિલ્લામાં વ્યકિતઓની કોઇ મંડળી, સભા અને સરઘસ પરવાનગી સિવાય નહીં ભરવા અને રાત્રિના 10 વાગ્યા પછી મંડળી, સભા અને સરઘસ પરવાનગી નહીં આપવામાં આવે તેમ વધુમાં જણાવાયું છે. સ્થાનિક સત્તાવાળા પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય એવી વ્યકિતઓને/સંસ્થાને, ફરજ પર હોય તેવા ગૃહરક્ષકદળના વ્યકિતઓને, લગ્ન પ્રસંગના વરઘોડાને અને કોઇ સ્મશાનયાત્રાને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમના કોઇપણ ભાગનો ભંગ અથવા ઉંંલ્લંઘન કરનારને આ કાયદાની અધિનિયમની કલમ 135ની પેટા કલમ 3 અને ભારતીય ફોજદારી અધિનિયમ 1860ના ક્રમાંક 45માંની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer