ત્રંબૌમાં હીટ એન્ડ રન : વાહન હડફેટે યુવાને જીવ ગુમાવ્યો

ગાંધીધામ, તા. 13 : જિલ્લામાં અકસ્માત અને અકસ્માત મોતના બે બનાવમાં યુવાન અને યુવાન પરિણીતાની જિંદગી પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. રાપર તાલુકાના ત્રંબૌમાં હીટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વાહન હડફેટે બાઇકચાલક દિનેશ રામજી કોલીનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. તો લખપત તાલુકાના ફુલરા ગામમાં વીજશોક લાગવાથી રુકિયાબેન ઉમર ઇસ્માઇલનું તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે રાપર તાલુકાના ત્રંબૌ ગામમાં માર્ગ અકસ્માતનો બનાવ ગત સાંજે 7.45 વાગ્યાના અરસામાં રાપરથી 6 કિ.મી. દૂર પાંજરાપોળ સામે બન્યો હતો. કોઇ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે વાહન ચલાવી બાઇક પર જતા હતભાગી યુવાનને હડફેટે લીધો હતો અને વાહન દોડાવી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર દરમ્યાન મોડી રાત્રે દમ તોડી દીધો હતો. રામજી જગા કોલીની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. લખપત તાલુકાના ફુલરા ગામમાં અકસ્માત મોતનો બનાવ સવારે 7 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી પરિણીતા મોટર ચાલુ કરવા ગઇ હતી તે દરમ્યાન લાગેલો વીજ આંચકો જીવલેણ સાબિત થયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer