માંડવીના દરિયા કિનારે બનેલા પ્રવાસન કેન્દ્રની હાલત ભંગાર

માંડવીના દરિયા કિનારે બનેલા પ્રવાસન કેન્દ્રની હાલત ભંગાર
માંડવી, તા. 11 : ગુજરાત સરકાર દ્વારા વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરવામાં આવે છે અને તેના ખાતમુહૂર્ત લોકાર્પણ અને ઉદ્ઘાટનના નામે કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ વિકાસ ગુણવત્તા વગરનો થાય છે, તેનો દાખલો ટાંકતા પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવીએ માંડવીના દરિયા કિનારે  પ્રાચીન કાશી વિશ્વનાથના મંદિરની પછવાડે પ્રવાસનધામના નામે કરોડોના ખર્ચે થયેલા બાંધકામની તપાસની માંગણી કરી હતી. રળિયામણા દરિયા કિનારે  પ્રાચીન કાશી વિશ્વનાથના શિવમંદિરના દખણાદે ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમે ત્રણ વરસ પહેલાં અંદાજે છ કરોડના?ખર્ચે આકાર પામેલું ટુરિસ્ટ સેન્ટર ધૂળધાણી થઇ ગયું છે. શ્રી સંઘવીના વડપણ હેઠળની ટીમ આ ટીમમાં અજિત સાધુ, વિજયસિંહ જાડેજા, કાનજી હાલાઇ, કેતન શાહ, પુનમભાઇ મહેશ્વરીએ સ્થાનિકે મુલાકાત લઇને ટીકા કરી હતી. વધુમાં જણાવ્યું છે કે, વારંવાર મુખ્યમંત્રી સહિત પ્રવાસન નિગમના અધિકારીઓ કહે છે કે, માંડવીનો દરિયા કિનારો પ્રવાસન ક્ષેત્રે વિકસી રહ્યો છે, ત્યારે ભંગાર હાલતવાળું સેન્ટર સૂમસામ કેમ ભાસે છે? દરિયા કિનારે પ્રાચીન મંદિરના પાછળ પ્રવાસન કેન્દ્રની કેન્ટીન ત્રણ વરસથી બંધ હાલતમાં ભંગાર પડી છે તેમજ અદ્યતન બંધાયેલા ટોઇલેટના મકાનને પણ કાંટા-ઝાંખરા ભરીને બંધ કરી દેવામાં આવ્યું છે. સેન્ટરની ચારે બાજુ ઉભા કરાયેલા સિમેન્ટના બાંકડા અને રસ્તો અને ફૂટપાથ ખાડા ટેકરાવાળા અને રેતીથી ભરાઇ ગયા છે. રૂપિયા નેવું હજાર પાણી પુરવઠાના ચડી જવાને કારણે અને ભરપાઇ ન થવાને કારણે પાણીનું જોડાણ પણ કપાઇ ગયું છે એમ તેઓએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer