આગામી ચોમાસું કેવું જશે ? કચ્છ જ્યોતિષ મંડળ સંશોધન કરશે

મિરજાપર, તા. 20 : કચ્છ જ્યોતિષ મંડળ જન જાણકારી હેતુ નિ:શુલ્ક નવા નવા સંશોધનો કરે છે. વર્ષ 2017નું ચોમાસું કેવું જશે એ વિષય પર વિવિધ પ્રકારે અભ્યાસ કરીને મે માસ સુધીમાં આગાહી કરવામાં આવશે જેમાં ગુજરાત-કચ્છ પૂરતું જ સંશોધન કરવામાં આવશે. મંડળના અનુભવી તજજ્ઞો ડો. શશિકાન્ત આચાર્ય, નરેન્દ્ર ગોર (સાગર), પ્રતાપરાય જોષી, ચેતન ખત્રી, પ્રવીણ પુરોહિત, ઉર્મિલ શુક્લ, ગિરીશ ગોર હવામાનનો તાગ પામવા પ્રયત્નશીલ રહ્યા છે. આ બાબતે ગ્રહોના પરિભ્રમણ, સૂર્યનક્ષત્ર જોઈને વરતારાની આગાહી કરવામાં આવે છે. હવામાન સ્થાનિક પરિસ્થિતિમાં ચોકકસ સમયે ઉષ્ણતામાન, હવાનું દબાણ, ભેજનું પ્રમાણ, પવનની દિશા અને ગતિ વરસાદ જેવા પરિબળોનો નિર્દેશ કરે છે. તદ્ઉપરાંત મકરસંક્રાંતિ, હોળી, અક્ષયતૃતીયા, અષાઢી બીજ, અષાઢી પૂનમ વગેરે પર્વો ભારતીય ઋતુવિજ્ઞાન માટે ખૂબ જ મહત્વના છે.  સૂર્યની ગરમી ગતિવિધિ હવામાન ઉપર સંપૂર્ણપણે અસર કરે છે. વધારામાં પૃથ્વીનું પરિભ્રમણ, ઝુકાવ અને સ્થાનિક પરિબળો પણ કેટલાક પ્રમાણમાં અસરકર્તા?છે. સૂર્યની ગરમીના પ્રતાપે પાણીનું બાષ્પીભવન થઈને હવામાં ભેજનું પ્રમાણ બંધાય છે. પૃથ્વીના ઝુકાવથી અને પરિભ્રમણથી પવન સર્જાય છે. પવનથી તો હવામાંનો ભેજ ચારેય દિશામાં ફેલાય છે. જેના પર સતત અભ્યાસ કર્યા બાદ વરસાદ બાબતે આગાહી કરવામાં આવે છે. ડો. આચાર્યે વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલમાં વધી ગયેલા પ્રદૂષણના કારણે વરસાદ બાબતે આગાહી કરવી અતિ કઠિન બની છે.  દીર્ઘ અભ્યાસ બાદ કરેલી સચોટ આગાહી પણ ઘણી વખત ખોટી સાબિત થાય છે ત્યારે ચાર માસ સુધી કરેલો બધો અભ્યાસ પણ નિષ્ફળ જાય છે. આમ છતાં સંશોધન સતત ચાલુ જ રહેશે. ભલેને પ્રદૂષિત વાતાવરણ અવરોધ બનીને ઉભું છે. ઋતુચક્રના નિયમો બદલાયા નથી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer