વિજયી વિશ્વ તિરંગા પ્યારા... આપણા મહાન ભારત દેશનું કીર્તિગાન પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વે ગવાય એ સ્વાભાવિક છે. આ વખતે સંજોગો વિકટ છે. કોરોનાનું સંક્રમણ ભલે ઓસરી રહ્યું છે. ઘરઆંગણે કોવિડ કવચ સમી બબ્બે રસીની ઉપલબ્ધિને લીધે આ મહામારી સામેનો જંગ જીતી લેવાશે એવો વિશ્વાસ દૃઢ બન્યો છે. તેમ છતાં આયોજનોમાં વિશેષ દરકાર રાખવામાં આવી રહી છે. રાજધાની દિલ્હીમાં રાજપથ પર કરાતા પરંપરાગત આયોજનમાં મર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગયા વર્ષે પ્રેક્ષકોની સંખ્યા સવા લાખની હતી જે આ વખતે માત્ર 25 હજાર રહેશે. દેશના સાંસ્કૃતિક વિવિધતા, પરંપરા અને સામર્થ્યનું નિદર્શન કરતા ટેબ્લોની સંખ્યા માત્ર 32 રહેશે. એ યાદ રહે કે કોરોના કાળ પછી એ પહેલું મોટું આયોજન છે જેમાં આટલી મોટી સંખ્યામાં સામેલગીરી હશે. પહેલાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા પરંતુ તેમના દેશમાં કોરોના કાબૂ બહાર જતાં મુલાકાત રદ થઇ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા રાષ્ટ્ર માટે 72મા ગણતંત્ર દિવસનો અવસર છેલ્લા એક વર્ષની કાર્યસિદ્ધિનો ગુણાનુવાદ કરવાનું નિમિત્ત પૂરું પાડે છે. ભારતે છેલ્લા એક વર્ષમાં મેળવેલી એક અનોખી સિદ્ધિની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. આ સિદ્ધિ છે કોરોનાની બે વેક્સિન- કોવેક્સિન અને કોવિશિલ્ડનું ઉત્પાદન. એક વર્ષના ટૂંકા ગાળામાં દેશના વિજ્ઞાનીઓ અને તબીબોએ અથાક પરિશ્રમ દ્વારા આ વેક્સિનનાં પરીક્ષણો કર્યાં અને અત્યારે લોકોને રસી અપાઈ રહી છે. અમેરિકન મલ્ટિનેશનલ કંપની એસ્ટ્રાઝેન્કાએ બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગમાં વિકસાવેલી કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા કરી રહી છે જ્યારે મલ્ટિનેશનલ ભારતીય કંપની ભારત બાયોટેકે કોવેક્સિનને પોતે વિકસાવી છે. દેશ આ સિદ્ધિનો ગર્વ લઇ રહ્યો છે. એ સિવાયના મોરચે નેત્રદીપક કામગીરી થઇ રહી છે. નીતિ આયોગે ત્રણ વર્ષ પહેલાં નૂતન ભારતનો દસ્તાવેજ રજૂ કર્યો હતો જેમાં 2022 સુધીમાં ભારતને `ગરીબી મુક્ત' બનાવવાની નેમ વ્યક્ત થઇ હતી. કોવિડના સંજોગો આ પ્રક્રિયા ધીમી પાડશે. પરંતુ ભારત પોતાના બુદ્ધિકૌશલ્ય અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ દ્વારા પ્રગતિના રસ્તે અગ્રેસર છે. દરેકને ઘરનું ઘર મળે એની યોજના ઝડપથી આગળ વધી રહી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની હરણફાળની દુનિયા નોંધ લઇ રહી છે. કોરોના રસીની જ વાત કરીએ તો ઘરઆંગણે પ્રથમ તબક્કે 30 કરોડ નાગરિકોના વેક્સિનેશનનો લક્ષ્યાંક હાથ ધરવાની સાથે ભારતે નેપાળ, ભૂતાન, બાંગલાદેશ, શ્રીલંકા જેવા પડોશી દેશો અને બ્રાઝિલ જેવા રાષ્ટ્રોને વેક્સિન પહોંચાડીને વિશ્વ સમાજમાં પોતાની છાપ દૃઢ બનાવી છે. વિદેશનીતિની વાત કરીએ તો પાકિસ્તાનની આતંકવાદને સમર્થન આપવાની કુટિલ ચાલનો દુનિયા સમક્ષ ભાંડાફોડ કર્યો છે. લદ્દાખ મોરચે ચીનના આક્રમણને સૈન્યના સામર્થ્યની સાથે મુત્સદ્દીગીરીથી હડસેલી દઇને ભારતે દર્શાવી આપ્યું છે કે એ કોઇના દબાણ સામે ઘૂંટણીએ નહીં પડે. ઇંટનો જવાબ પથ્થરથી આપતાં તેને આવડે છે. 1950ની 26મી જાન્યુઆરીએ ભારતે બંધારણ અપનાવ્યું તે લોકશાહીના પવિત્ર પર્વ પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ અનોખું છે. આ વર્ષ એ રીતે પણ અનોખું છે કારણ કે જે બંધારણે પ્રજાને લોકશાહીના હક આપ્યા તેની સામે પડકારો જાગ્યા છે. પ્રજાસત્તાક દિનની પવિત્રતાને અભડાવવાના પ્રયાસો, દેશવિરોધી તત્ત્વો અને તેમની સાથે ભળેલા વિરોધ પક્ષો દ્વારા થઇ રહ્યા છે. આ પ્રજાસત્તાક દિને પડકારો જેટલા ગંભીર છે તેટલા અગાઉ ક્યારેય નહોતા. ખેડૂત સંગઠનો લગભગ બે મહિનાથી પાટનગરને જોડતા રાજમાર્ગો પર આંદોલન કરી રહ્યા છે. આંદોલનનો અંત નજીક દેખાય અને કોઈ અદૃશ્ય દોરીસંચાર થતા ખેડૂતો પાછા જીદે ચડે. કાયદાને રદ કરવાની આ માગણી સ્વીકારવા સિવાય સરકાર તેમને બધી રીતે અનુકૂળ થવા તત્પર છે. કૃષિ કાયદાનો અમલ દોઢ વર્ષ મોકૂફ રાખવાની દરખાસ્ત સુદ્ધાં કરવામાં આવી પણ આંદોલનનો દોરીસંચાર ખાલિસ્તાની, પાકિસ્તાની અને ડાબેરીઓ જેવા દેશવિરોધી તત્ત્વોના હાથમાં હોવાથી ખેડૂતોની સાથે સમાધાન થઇ શકતું નથી. લોકશાહીના પાયામાં સુરંગ ચાંપવાનું કાવતરું ખૂલતું જાય છે. લોકશાહીના એક સ્થંભ એવા સંસદે પસાર કરેલા કાયદાને રદ કરવાની ગેરબંધારણીય માગણી ઊઠી છે, આ દિવસે દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢી કાયદો-વ્યવસ્થાને જોખમાવવાના પ્રયાસો ચાલુ છે. બંધારણના બીજા સ્થંભ એવા વહીવટી તંત્ર (પ્રજાએ ચૂંટેલી સરકાર)ની સામે પડકાર ફેંકવામાં આવ્યો છે. લોકશાહીના ચોથા સ્થંભ એવા મીડિયામાં પણ આ તત્ત્વોએ ઊંડો પગપેસારો કર્યો છે. ખેડૂત આંદોલન સરકારની સહનશીલતાની કસોટી કરી રહ્યું છે. દેશ અને સરકારના વિરોધીઓ ઈચ્છે છે કે લોકશાહીના બીજા અને ત્રીજા સ્થંભ- અનુક્રમે વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર દ્વારા એવું કોઈ પગલું ભરવામાં આવે જેથી ભારતની અખંડિતતા સામે પડકાર સર્જાય અને તેના લોકશાહી મૂલ્યો જોખમાય. સરકાર આ સમજે છે. તેથી તે અત્યારે અભૂતપૂર્વ સંયમથી વર્તી રહી છે. જો કે, સરકારનું આંદોલનના ઉકેલ માટે અદાલત પાસે જવું અને અદાલતે પણ તેમાં સક્રિય દરમ્યાનગીરી કરવી તે બન્નેની મોટી સરતચૂક હતી. સુપ્રીમ કોર્ટે સરકારના કહેવાથી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે પડેલી મડાગાંઠનો ઉકેલ લાવવા માટે સમિતિ નીમી છે. પણ જેને સમાધાન કરવું નથી તેવા મોટા ભાગના ખેડૂત સંગઠનો સમિતિ સમક્ષ હાજર થવા તૈયાર નથી. આંદોલનકારી ખેડૂતોએ એટલું તો સમજવું જોઈએ કે, કોઇ તેમને ક્યાંક હાથો ન બનાવી જાય. આ એવાં તત્ત્વો છે જેમણે દેશના સૈન્યની અને વિજ્ઞાનીઓની સિદ્ધિઓ સામે શંકા કરી છે, સવાલો ઉઠાવ્યા છે, વેક્સિન રાજકારણ રમ્યા છે, અદાલતની સામે શંકા કરી છે અને દેશમાં આંતરિક અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતો નહીં સમજે પણ લોકશાહી જેમના માટે અને જેમની છે તે પ્રજા તો સમજી રહી છે. દેશની પ્રજાની વેક્સિનના પરીક્ષણમાં જોડાવા માટે આ પ્રજામાંથી હજારો સ્વયંસેવકો નીકળી પડ્યા છે. દેશ ઉપર જ્યારે પણ આપત્તિ આવી ત્યારે આવી એકતા જોવા મળી છે. કોરોનાની રસીના પરીક્ષણો માટે આગળ આવેલા આ સ્વયંસેવકો-વિજ્ઞાનીઓમાં અટલ વિશ્વાસ મૂકીને વિશાળ જનહિતના સ્વાસ્થ્યની જાળવણી માટે આગળ આવ્યા છે. આ સમજ દર્શાવે છે કે વિરોધીઓના કાવતરા પ્રજામાં ઊંડા મૂળિયાં નાખી શકશે નહીં. દેશમાં લોકશાહીના મૂળિયાં એટલાં ઊંડાં જઈને અને વિસ્તર્યા છે કે તેને ઉખેડવાનું અશક્ય છે. પ્રજાસત્તાક ભારતની આ સાચી ઉજવણી છે.
© 2021 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer