પી. ખરસાણી પર કચ્છમાં બનશે ડોક્યુમેન્ટરી

પી. ખરસાણી પર કચ્છમાં બનશે ડોક્યુમેન્ટરી
ભુજ, તા. 19 : સાડા છ દાયકા જેટલા લાંબા તેમજ યશસ્વી જાહેરજીવન દરમ્યાન ગુજરાતી ચલચિત્ર જગતને મુઠ્ઠીઊંચેરું પ્રદાન આપનાર પ્રતિભાશાળી અભિનેતા પી. ખરસાણીને તેમના ગજાનો રોલ હજુ પણ મળ્યો નથી તેવા સૂર સાથે આજે અહીં વીઆરટીઆઇમાં વિવેકગ્રામ પ્રકાશન દ્વારા પ્રકાશિત `પી. ખરસાણી નોવેશ' પુસ્તકના રસાસ્વાદ સાથે 90 વર્ષીય અભિનેતાના અભિવાદન પ્રસંગે ખરસાણીની ફિલ્મી સફર પર એક દસ્તાવેજી કચ્છમાં બનાવવાની જાહેરાત થઇ હતી.  સમારોહના અધ્યક્ષપદેથી વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રીએ આ પુસ્તક પ્રકાશન ઉપરાંત પી. ખરસાણી પર `બાયોપિક' જેવા પ્રયોગ નાટય ક્ષેત્રે પણ કરવાનું સૂચન કર્યું હતું. વિવેકગ્રામ પ્રકાશનના માધ્યમથી વીઆરટીઆઇ દ્વારા થતી પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિને તેમણે બિરદાવી હતી. જાણીતા નાટયવિદ્ વિનોદ અમલાણીએ પુસ્તકનો રસાસ્વાદ કરતાં કહ્યું હતું કે, પુસ્તક લખી શકાય તેવું જીવન મને પ્રેમ કરનાર તમારા સૌ લોકોના કારણે જ જીવી શકાયું છે તેવું ખરસાણીદાદાએ પુસ્તકના પ્રારંભે નોંધ્યું છે. ચાર ભાગમાં ભવાઇ સ્વરૂપે લખાયેલું પુસ્તક ચાર વિભાગમાં છે. માત્ર પુસ્તક નથી ગુજરાતી ચલચિત્ર ઇતિહાસનો દસ્તાવેજ છે. માત્ર 250 તસવીરો જુઓ તો પણ તેમના જીવનચરિત્રની ઓળખ મળી જાય.  પુસ્તકમાં સૌથી ઊડીને આંખ વળગે તેવો શૃંગારરસ છે તેવી નોંધ સાથે શ્રી અમલાણીએ પુસ્તકમાં ખરસાણીએ પોતાના પ્રેમના કરેલા નિખાલસ, નિર્મળ વર્ણન વિશે માંડીને વાત કરી હતી. અન્ય મુખ્ય રસ કરુણરસ હોવાનું કહેતા તેમણે કહ્યંy હતું કે, સંઘર્ષ હોય તો જ ગાથા લખાય, પુસ્તક લખાય. મુંબઇ સ્થિત મણિબેન દેઢિયા ચેરિટેબલ ટ્રસ્ટના તુષારભાઇ દેઢિયાએ અતિથિપદેથી દરેક નગરમાં નાટયગૃહના ખરસાણીદાદાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પ્રયાસો કરવાની હાકલ કરી હતી. એકસોથી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનયનાં ઓજસ પાથરનાર પીઢ અભિનેતા પી. ખરસાણીનું પ્રકાશક સંસ્થા અને અગ્રણીઓએ સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું ત્યારે જિલ્લા પંચાયતનો હોલ તાળીઓનાં ગડગડાટથી ગૂંજી ઊઠયો હતો. ખરસાણી દાદાના ચારેય પુત્ર પ્રફુલ્લભાઇ, ચીકાભાઇ, અમિતભાઇ, કેતનભાઇનું સન્માન કરાયું હતું. ખરસાણી દાદાના હસ્તે ચિત્રકાર નવીનભાઇ સોનીનું સન્માન કરાયું હતું. આરંભમાં મહેમાનોના હસ્તે નટરાજની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય કરાયું હતું. વી.આર.ટી.આઇ.ના વિવેકગ્રામ પ્રકાશનના સૂત્રધાર ગોરધન પટેલ `કવિ'ભાઇએ અતિથિઓને આવકાર સાથે આવા દિગ્ગજ અભિનેતાનું પુસ્તક કચ્છની ભૂમિ પરથી પ્રગટ થવા બદલ ગૌરવની લાગણી દર્શાવી હતી. `પી. ખરસાણીનો વેશ'ના પ્રકાશનની ભૂમિકા તેમણે સમજાવી હતી. સેંઘાભાઇ પારઘી, હીરજી રાઠોડ, તેજાભાઇ ચૌધરી વગેરેએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય નાટય સ્પર્ધામાં એકાંકી `ઘોડાગાડી'ની પ્રસ્તુતિ દ્વારા વિજેતા બનેલી માંડવીની વિઝયુઅલ આર્ટસના દિગ્દર્શક પ્રા. આર. વી. બસિયા, નાટય લેખક વિનોદ અમલાણીની સાથોસાથ કલાકારો પૂજા કાનાણી, ઘનશ્યામ હાલાઇ, મોહમ્મદ, અક્ષય જોશી, વર્ધા તુરિયા, ધ્વનિ રાજગોર, ઘનશ્યામ ભંડેરી, નેપથ્યમાં ભૂમિકા ભજવનાર વિશાલ સાધુ, કિશનસિંહ જાડેજા, અમર કુબાવત, કિંજલ સંઘવી, હિરલ સોની, નિર્મલ, જિજ્ઞા સેંઘાણી વગેરેનું સન્માન પી. ખરસાણીના હસ્તે કરાયું હતું. સપ્તરંગના ઝવેરીલાલ સોનેજીએ આયોજન સંભાળ્યું હતું. મંચ પર વીઆરટીઆઇના નિયામક માવજીભાઇ બારૈયા અને સમારોહમાં બાબુભાઇ મેઘજી શાહ, દેવરાજ ગઢવી, લીલાધર ગડા, વ્રજ ગજકંધ, ધનજી ભાનુશાલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

  પી. ખરસાણીનો કચ્છ સાથે જૂનો સંબંધ...  `ગુજરાતી રંગભૂમિના મહર્ષિ સમાન આ દિગ્ગજ અભિનેતા કચ્છ સાથે જૂનો નાતો ધરાવે છે. અંજારમાં જેસલ-તોરલની સમાધિ પાછળ ખરસાણીના પૂર્વજોના પાળિયા છે, તેવું વિનોદ અમલાણીએ જણાવ્યું હતું. કચ્છ સાથેના વધુ એક સંબંધની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અંજારમાં જ ખરસાણી કુટુંબના કુળદેવી બ્રહ્માણી માતાનું મંદિર છે. જેનાં દર્શન કરવા ગઇકાલે ખરસાણી દાદા જઇ આવ્યા અને કચ્છ સાથે ત્રીજો નાતો એ આજે ભુજમાં થયેલું આ કુશળ અભિનેતાનું સન્માન છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer