યુજીસીની પાંચ રાજ્યોની ટીમ કચ્છ યુનિ.ના ત્રણ દિ''ના પ્રવાસે આવી

ભુજ, તા. 12 : કચ્છ યુનિવર્સિટી હાલમાં તેની સ્થાપનાથી ર(એફ)ની માન્યતા ધરાવે છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ની સીધી અને કાયમી ગ્રાન્ટ માટે મહત્ત્વના 1ર(બી)  પ્રમાણપત્રની માન્યતા માટેના આમ તો અનેકવાર પ્રયાસ થઈ ચૂકયા છે અને ટીમ પણ આવી છે, પણ હવે નક્કર પ્રયાસો પછીના સમયમાં આજે આ પાંચ સભ્યોની ટીમ આવી છે.  1ર(બી)ની માન્યતા માટેની દરખાસ્ત પરથી તેના નિયત માપદંડોની પૂર્તતા ચકાસવા સવારે યુનિવર્સિટીની પાંચ સભ્યોની ટીમ આજથી ત્રણ દિવસ કચ્છમાં રહેશે. આજે આગમન સમયે યુનિવર્સિટી વતી કુલપતિ ડો. સી.બી. જાડેજા અને વરિષ્ઠ અધ્યાપકો અને ઈસી સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. મળતી વિગતો પ્રમાણે આજે આ ટીમે યુનિ.ના નવ ડિપાર્ટમેન્ટોની ચકાસણી કરી હતી અને તેમના અધ્યાપકો પાસેથી માહિતી મેળવી હતી. આ પહેલાં સવારે કોર્ટ હોલમાં વિવિધ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ ટુકડીમાં મદ્રાસ યુનિવર્સિટીના કુલપતિ ડો. પી. દુરાઈસામી, યુજીસીના અન્ડર સેક્રેટરી ડો. કુંડલા મહાજન, મણિપાલ યુનિ., જયપુરના ઈકોનોમિકસ ડિપાર્ટમેન્ટના હેડ ડો. નરેશ ડી. માથુર, આંધ્ર યુનિ.ના ડો. રામી રેડ્ડી, પ્રો. ઈનાલેનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ ટીમ કચ્છ યુનિ.માં તેની જમીન, વિભાગોની સંખ્યા અને તેમાં ભરાયેલી શૈક્ષણિક જગ્યાઓ, વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ, માળખાંકીય સુવિધાઓ, સ્ટાફ કવાર્ટર્સ, સ્પોર્ટસ સંકુલ સહિતની બાબતોના થયેલા નિર્માણ કે થઈ રહેલા નિર્માણ અંગે ચકાસણી કરીને તેમને હેવાલ યુજીસીને સુપરત કરશે. આજે વિવિધ પ્રાધ્યાપકો સાથે ચર્ચા કરી વિગતો મેળવી હતી, પછીના તબક્કામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. જો કે, હાલમાં કચ્છ યુનિ.માં ઝડપી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અને સુવિધાઓ વધતાં હકારાત્મક પ્રતિભાવની આશા બળવત્તર બની છે. સાંજે આ ટુકડીએ કચ્છમાં ભુજોડી નજીક નિર્માણ કરવામાં આવેલી ગૌરવશાળી સંસદ ભવનની પ્રતિકૃતિ અને હીરાલક્ષ્મી પાર્કની મુલાકાત લીધી હતી. હવે આવતીકાલે કેમ્પસ અને લાયબ્રેરીની સહિતની સુવિધાઓની ચકાસણી કરશે તેવું જાણવા મળે છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer