અંજાર સુધરાઇએ પાંચમા પગારપંચનો કેસ પાછો ખેંચ્યો

અંજાર, તા. 12 : અહીંની નગરપાલિકાની સામાન્ય સભામાં કર્મચારીઓના પાંચમા પગારપંચ અંગેનો સુપ્રીમ કોર્ટમાં ચાલતો કેસ પાછો ખેંચવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. કચેરી સભાખંડમાં નગર અધ્યક્ષા પુષ્પાબેન ટાંકના અધ્યક્ષપદે મળેલી સામાન્ય સભામાં પાલિકાની માલિકીના નવા અંજારના મકાનોની માલિકી અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો, જેમાં ચુકાદા સામે અપીલમાં ન જતાં જે મકાનનો માલિકીનો હક્ક મળેલો તે માટેનો ઠરાવ કરી લોકોની તરફેણનો નિર્ણય લેવાયો હતો. રોજંદાર તેમજ ફિક્સ પગારદારોને લઘુતમ વેતનમાં મોંઘવારી ભથ્થામાં વધારો આપવા કર્મચારીઓની રજૂઆતને બહાલી અપાઇ હતી. ઉપરાંત જુદા જુદા વિસ્તારોમાં ગટરલાઇન નાખવા, મા નર્મદા રથયાત્રાના આયોજનમાં થયેલા ખર્ચની મંજૂરી, ત્રિમાસિક હિસાબોને બહાલી, 14મા નાણાપંચની ગ્રાન્ટના આયોજનની બહાલી, નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓએ પાણીની લાઇન, ગટરલાઇન નાખવા તેમજ સીસી તથા પેવર બ્લોક રોડ બનાવવાના કામને બહાલી, વરસાદ પછી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં મલબો-ભૂંસી નાખવાના કામ તેમજ ડેમેજ થયેલા રસ્તાઓના સમારકામને બહાલી, આંબેડકર સર્કલમાં રિનોવેશનના કામ સહિતના કામોને બહાલી અપાઇ હતી. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે બે ટ્રેક્ટર પાણીના ટેન્કર સહિત ખરીદ કરવાનો નિર્ણય લેવાયો હતો. કારોબારી ચેરમેન પ્રકાશભાઇ કોડરાણી, શાસક પક્ષના નેતા ડેનીભાઇ શાહ, વિરોધ પક્ષના નેતા જિતેન્દ્રભાઇ ચોટારા, ચીફ ઓફિસર નીતિનભાઇ બોડાત વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો. 30 સભ્યો હાજર અને 6 સભ્યો ગેરહાજર રહ્યા હતા. શાસક પક્ષના નેતા ડેનીભાઇ શાહે ગત ત્રિમાસિક સામાન્ય સભાની બેઠકમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો કે, સામાન્ય સભાના સમાપને રાષ્ટ્રગીત ગાઇ અને જુદા પડવું તેને સૌએ અનુમોદન આપ્યું હતું, તેથી હવે દર વખતે સામાન્ય સભા પૂર્ણ થયેથી રાષ્ટ્રગીત ગાઇ અને સૌ છૂટા પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ દર વખતે યોજાતી આ સામાન્ય સભામાં વિકાસકામોના થઇ રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપો, આંતરિક જૂથવાદ તેમજ વિપક્ષની રજૂઆતની માહિતી મીડિયા સુધી ન પહોંચે તે માટે પત્રકારોને દૂર રાખવા આયોજન કરાયું હતું. આ અંગે કારોબારી ચેરમેન પ્રકાશ કોડરાણીનો  સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, પત્રકારોને જાણ કરવાની જવાબદારી સુધરાઇના કર્મચારીને  સોંપાઇ હતી, પરંતુ ભૂલ થતાં જાણ કરવાની રહી ગઇ હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer