ગાંધીધામના ટ્રાન્સપોર્ટ નગરમાંથી 23 લાખની ટ્રક ચોરી જવાઇ !

ગાંધીધામ, તા. 12 : શહેરનાં ટ્રાન્સપોર્ટનગર વિસ્તારમાં હોટેલ બંસલની પાછળ પાર્ક કરાયેલી રૂા. 23 લાખની ટ્રકની કોઇ શખ્સો ચોરી કરી નાસી ગયા હતા. અંજારના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ હનુભા જાડેજા નામના યુવાને આ અંગે એ -ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામનાં ટ્રાન્સપોર્ટનગરમાં આવેલી હોટેલ બંસલની પાછળ કરીમ મિત્રીના ગેરેજ પાસે તેમના ચાલકે પોતાનું વાહન પાર્ક કર્યું હતું. ગત તા. 7-10 અને 8-10ની રાત્રિ દરમ્યાન આ ટ્રક નંબર જી.જે. 12-બી.ટી. 8166 (4018) કિંમત રૂા. 23 લાખવાળાને ગમે તે રીતે ચાલુ કરી તેની તસ્કરી કરીને તસ્કરે નાસી ગયા હતા. પૂર્વ કચ્છમાં સપ્ટેમ્બર મહિનામાં અંજારમાંથી 6, એ-ડિવિઝન વિસ્તારમાંથી  5, આદિપુરમાંથી 5, બિ ડિવીઝનમાંથી 1, કંડલામાંથી 1, અને સામખિયાળીમાંથી 1 એમ રૂા. 26,73,950ના નાના મોટા વાહનોની તસ્કરી થઇ હતી. જે પૈકી પોલીસ માત્ર એક જ વાહનને શોધવામાં સફળ રહી હતી. બે નંબરી ધંધાદારીઓ પાસેથી પ્રસાદી મેળવીને પોતાના ખિસ્સા ગરમ રાખનારા અમુક કર્મીઓ વાહન, ઘરફોડ ચોરી, ચીલઝડપ જેવા ગુનાઓનું શોધન કરે તેવી માંગ લોકોમાં ઊઠી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer