ગુજરાતમાં મીઠાંની ભાડા પટ્ટાની જમીન માટે મુદ્દત 30 વર્ષ થતાં કચ્છમાં આનંદ

ગાંધીધામ, તા. 12 : મીઠાં અને મીઠાં આધારિત ઉત્પાદન માટે ભાડા પટ્ટે આપવામાં આવેલી જમીનના ભાડાપટ્ટાની મુદ્દત 10માંથી 30 વર્ષ કરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના કારણે કચ્છ સહિત રાજ્યના નમક ઉદ્યોગને વધુ વેગ મળશે. ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિયેશન (ઇસ્મા) અને તેની સાથે સંલગ્ન પ્રાદેશિક સંગઠનો કચ્છ સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુ ફેકચરર્સ એસોસિયેશન જામનગર, કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિયેશન કચ્છ, કંડલા સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિયેશન કચ્છ, સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિયેશન ભરૂચ, માળિયા મિયાણા તાલુકા સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિયેશન માળિયા દ્વારા સમગ્ર ગુજરાતના મીઠાં ઉત્પાદકો વતી મીઠાં ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ?રૂપાણી સમક્ષ રજૂઆત કરાઇ હતી. મુખ્યમંત્રીએ આ નિવારણની જવાબદારી રાજ્યના મહેસૂલ મંત્રી અને ઉદ્યોગ ખાણ વિભાગના મંત્રીને સોંપી હતી. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વન વિભાગ મંત્રી ગણપતભાઇ વસાવા, મીઠાં ઉદ્યોગ મંત્રી બાબુભાઇ બોખીરિયા, રાજ્યકક્ષાના પર્યાવરણ મંત્રી શંકરભાઇ ચૌધરી, મીઠાં ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી જશાભાઇ બારડ, પંચાયત મંત્રી જયંતીભાઇ?કવાડિયા, ઉદ્યોગ ખાણ?ખનિજ મંત્રી રોહિતભાઇ?પટેલ, સંસદીય સચિવ (મીઠાં ઉદ્યોગ) વાસણભાઇ આહીરે નમક ઉદ્યોગની સમસ્યાઓને સાંભળી હતી. આ બેઠકમાં લીઝનો સમયગાળો 10 વર્ષમાંથી વધારવો, મીઠાં ઉદ્યોગની જમીન પર લાગુ કરવામાં આવેલો પુલ ચોરસ મીટર 10 પૈસાનો બિનખેતી ચાર્જ અને લીઝ રિન્યુઅલની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરાય, લીઝ સમયસર તાજી કરવા, પડતર લીઝ રિન્યુની દરખાસ્તનો તુરંત નીવેડો લાવવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. ઇસ્માની રજૂઆત સંદર્ભે સરકાર દ્વારા મીઠાં આધારિત ઉત્પાદન માટે લીઝમાં આપવામાં આવતી જમીનની લીઝની મુદ્દત 10 વર્ષથી વધારીને 30 વર્ષ કરવા નિર્ણય લીધો છે. ઇસ્માના પ્રમુખ?બી. સી. રાવલે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, લીઝની મુદ્દત 30 વર્ષ થતાં નમક ઉદ્યોગને સ્થિરતા પ્રાપ્ત થશે. જેથી રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તાનું મીઠું પકવવામાં આવશે. તદુપરાંત મીઠાં આધારિત કલોર-આલ્કલે ઉદ્યોગને પણ આર્થિક ફાયદો થશે. મીઠાંની નિકાસને વેગ મળવાની સાથોસાથ રોજગારીની વિપુલ તક સર્જાશે. નમક ઉદ્યોગની બાકીની પડતર સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે તેવો અનુરોધ સંગઠન દ્વારા કરાયો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer