રોજગારીના સાધનો અપાય તો જ ઉન્નતિ થાય

રોજગારીના સાધનો અપાય તો જ ઉન્નતિ થાય
ભુજ, તા. 12 રાજ્યની સંવેદનશીલ સરકાર ગરીબોની ચિંતા કરી ગરીબ કલ્યાણ મેળાઓ યોજી સીધી સહાય આપી આત્મનિર્ભર કરે છે, તેનો સદુપયોગ કરી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની ઉમદા ટકોર આજે ભુજના ટાઉનહોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં સાધન-સહાય વિતરણ પ્રસંગે અધ્યક્ષપદે ઉપસ્થિત રહેલા રાજ્યના સંસદીય સચિવ વાસણભાઇ આહીરે લાભાર્થીઓને કરી હતી. સંસદીય સચિવ અને પદાધિકારીઓના હસ્તે આજના જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 985 લાભાર્થીઓને સિલાઇ મશીન, દૂધ-દહીં વેચાણકિટ, રસોઇકામ, પાપડ ઉદ્યોગ, નિર્ધૂમ ચૂલા, દિવ્યાંગ માટે રોલેટર કિટ, સ્ટિક, ટેબ્લેટ, ઉજ્જવલા કિટ, બકરાં એકમ સહાયના ચેક, વિદ્યુત સંચાલિત ચાપકટર સહાયના ચેક, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય, સખીમંડળ રિવોલ્વિંગ ફંડ, મિશન મંગલમ સ્વસહાય જૂથને કેશક્રેડિટની ફાળવણીની રૂા. 8,05,500 રકમ સાથે ગરીબ મેળા અંતર્ગત રૂા. 1.14 કરોડની લાભાર્થીઓને વિવિધ સહાય અપાઇ હોવાનું જણાવાયું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ છેલ્લા એક દાયકાથી ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી હજારો-લાખો લાભાર્થીને વિવિધ સરકારી યોજનાના પ્રત્યક્ષ લાભો આપવાનું કાર્ય થઇ રહ્યું છે એમ જણાવ્યું હતું.  ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, ગરીબી હટાવોની વાતોથી નહીં બલ્કે કલા-હુન્નર  ધરાવતા હાથોને સાધન-સહાય અપાય તો તેઓ રોજી-રોટી કમાઇ ઉન્નતિ કરી શકે છે. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું સુંદર આયોજન કરી જરૂરિયાતમંદ લોકોને યોજનાઓનો પ્રત્યક્ષ લાભ અપાય છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ પણ લાભાર્થીઓને સાધન-સામગ્રીનો સારી રીતે ઉપયોગ કરવા જણાવ્યું હતું. ગરીબ મેળાના પ્રારંભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગરીબ કલ્યાણ મેળા અંગેનો રાજ્ય સરકારનો ગરીબોને હાથો-હાથ સહાય આપવાનો અને વચેટિયાઓને દૂર કરવાનો અભિગમ સમજાવ્યો હતો. ગરીબ મેળાના લાભાર્થી ખેરૂનીબેન રાયમા, પી.એમ. આવાસ યોજનાના લાભાર્થી ઉંમર જુસબ સમા, ધ્રોબાણા અને નખત્રાણાના વિમળાબેન ધનાણીએ મિશન મંગલમ યોજનાના લાભ અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રગતિબેન વોરા અને વિમલ મહેતાની ટીમ દ્વારા પ્રાર્થના  ગીત પૂર્વ લોકકલા કેન્દ્રની બહેનો દ્વારા ગીતો રજૂ કરાયા હતા. સંચાલન  પંકજ ઝાલાએ કર્યું હતું.  જિલ્લા વિકાસ અધિકારી  સી.જે. પટેલે આભારદર્શન કર્યું હતું. વ્યવસ્થા ના.મા. મહેન્દ્ર હુબડાએ સંભાળી હતી.  નગરપ્રમુખ અશોક હાથી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, ભાડા-ભુજના અધ્યક્ષ કિરીટ સોમપુરા, જિલ્લા  પંચાયત શિક્ષણ સમિતિના છાયાબેન ગઢવી, તા.પં. પ્રમુખ કંકુબેન ચાવડા, ઉષાબેન જાડેજા, ભાજપ ઉપપ્રમુખ ડો. ભાવેશ આચાર્ય, શૈલેન્દ્રસિંહ જાડેજા, જે.પી. મહેશ્વરી વગેરે હાજર  રહ્યા હતા.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer