સલામતીનો માહોલ ઊભો કરવા ભડલી ગ્રામ પંચાયતની પહેલ

સલામતીનો માહોલ ઊભો કરવા ભડલી ગ્રામ પંચાયતની પહેલ
ભુજ, તા. 12 : ભડલી પંચાયત દ્વારા મહિલાઓની સલામતી માટે ખાસ પહેલ કરાઇ છે, જેમાં પંચાયત બોડીમાં નિર્ણય લીધો કે પહેલાં ફળિયા પ્રમાણે સેફટી ઓડિટ કરવામાં આવે અને મહિલાઓ કયાં સલામતી અને કયાં અસલામતી અનુભવે છે તે ફળિયા પ્રમાણે તેમના શું પ્રશ્નો છે તે જાણવા અને આગળની પ્રક્રિયા હાથ ધરવી. વ્યસન ગામમાં બહુ જ છે, તેની અસર નવી પેઢી પર પણ થાય છે, તેના માટે ચોક્કસ પ્રકારનાં પગલાં પંચાયત લે તેવી સુરક્ષા સમિતિએ માંગ કરી હતી. મળેલી બેઠકમાં પંચાયતે  નિર્ણય લીધો કે ગામ વ્યસનમુક્ત બને એ માટે ગામના આગેવાનો અને મહિલાઓ સાથે બેઠક કરવામાં આવે, ગામને વ્યસનમુક્ત બનાવવું હોય તો કેવી રીતે પ્રક્રિયા હાથ ધરવી જોઇએ તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ સરકાર દ્વારા જે મહિલા સુરક્ષા સમિતિ બનાવવામાં આવી છે તેને જ આ કામગીરીની તમામ સત્તા સોંપવી, પંચાયત તેને સપોર્ટ પૂરો પાડે. આ આયોજન મુજબ વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ રેલી ઢોલ સાથે કાઢવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. રેલી બાદ મહિલા સભા યોજવામાં આવી હતી. ખાસ દારૂબંધી ગામમાં કેમ થાય તેના માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. તેનું અમલીકરણ કરવા ભાઇઓ અને મહિલાઓ સાથે સૌ પ્રથમ પંચાયતથી ગામમાં જાહેર જગ્યા પર દારૂ અને જુગાર બંધ કરવાના હેલ્પ લાઇન નંબર 99799 23450, હેલો સખી હેલ્પ લાઇન નંબર 99133 91234, અભયમ હેલ્પ લાઇન 181 આ નંબર લખવામાં આવ્યા હતા. જેનાથી કોઇપણ  આ નંબરનો ઉપયોગ કરી શકે અને જે પણ ફોન કરશે તેની માહિતી ગુપ્ત રહેશે એ પણ જાણકારી આપવામાં આવી હતી. જેમાં ગામના 176 જેટલા લોકો જોડાયા હતા, સેફટી ઓડિટમાં 85 અલગ અલગ ફળિયા પ્રમાણે બહેનો સહભાગી થઇ હતી અને વ્યસન મુક્ત ગામને કરવા માટે ઝુંબેશ ચલાવી છે. આ સમગ્ર પ્રક્રિયાને કેતલબેન ભટ્ટ અને સીતાબેને કચ્છ મહિલા વિકાસ સંગઠનથી સહયોગ પૂરો પાડયો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer