કચ્છી મહિલા ફેડરેશન દ્વારા ત્રિરંગી કાર્યક્રમ યોજાયો

કચ્છી મહિલા ફેડરેશન દ્વારા ત્રિરંગી કાર્યક્રમ યોજાયો
મુંબઈ, તા. 12 : કચ્છી મહિલા ફેડરેશન દ્વારા મહિલા મંડળોને એવોર્ડ, હાઉઝી અને સગપણ સેતુ સહિતનો ત્રિરંગી કાર્યક્રમ પરેલના દામોદર હોલમાં યોજાયો હતો. સૌપ્રથમ સંસ્થાનાં પ્રમુખ ભારતીબેન ગંગર, સ્થાપક પ્રમુખ - દાતા પરિવાર શાંતાબેન દામજી એન્કરવાલા તથા જયવંતીબેન જાદવજી એન્કરવાલા,પાનબાઈ વલ્લભજી ગડા, અમૃતબેન મોનજી દેઢિયા અને સૌ પદાધિકારીઓએ દીપ પ્રાગટય કર્યું હતું. નમસ્કાર મહામંત્રની સંગીતમય સુરાવલીથી સભાગૃહ ગાજી ઊઠયું હતું. પ્રમુખ ભારતીબેને દાતા પરિવારો, આમંત્રિત મહેમાનો, સંલગ્ન મંડળોનાં પ્રતિનિધિ તથા વ્યક્તિગત સભ્યોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. 2018- ફેબ્રુઆરીમાં મહિલા મેડિકલ ફંડ એકઠું કરવા અંગે યોજાનાર દાંડિયારાસ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી, અને સૌને આમાં સહભાગી થવા અપીલ કરી હતી. જેના પ્રતિસાદમાં સૌ બહેનોએ હોંશે-હોંશે સ્વીકૃતિ આપી હતી. જૂનાં-નવાં સદાબહાર હિન્દી-ગુજરાતી ગીતોના ક્રીન શોટ હાઉઝી રતન આર્ટ્સના ધીરેન શેઠિયાના સથવારે માણી હાઉઝીમાં 11,000 રૂા.નાં રોકડ ઇનામો તથા પ્રશ્નોતરીમાં કુલ્લ 70 જેટલી મહિલાઓને ઇનામ મળ્યાં હતાં. ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન તથા ક.વિ.ઓ. સ્થાનકવાસી જૈન મહાજનના પદાધિકારીઓ નવીન ગંગર, અતુલ ભેદા, વિજ્ઞેશ ભેદા તથા ભાવેશ છેડાએ ફેડરેશનના આમંત્રણને માન આપી હાજરી આપી હતી. બન્ને મહાજનોએ `સગપણ સેતુ'ની અતિ સુંદર, ઉપયોગી ઝુંબેશ ઉપાડી છે, તેને ફેડરેશન અને સંસ્થા સાથે જોડાયેલાં દરેક ગામનાં અને એરિયાનાં મહિલા મંડળોએ સહયોગ આપવાનું વચન આપ્યું હતું.અતુલભાઈ ભેદાએ સગપણ સેતુની વિચારણા, જરૂરિયાત અને સમાજને તે ઉપયોગી કઈ રીતે થાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. બન્ને મહાજનના પદાધિકારીઓનું ફેડરેશનના પદાધિકારીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સંસ્થા સાથે સભ્યપદે જોડાયેલાં 111 મહિલા મંડળોમાંથી જે મંડળ સૌથી વધારે વર્ષોથી કાર્યરત હોય, સૌથી જૂનાં હોય તેમજ જે મંડળો માત્ર પોતાના જ ગામ - એરિયા પૂરતાં મર્યાદિત રહીને કાર્ય ન કરતાં હોય, પરંતુ સેવાલક્ષી, માનવતાલક્ષી તેમજ અનોખાં કાર્યોથી સમાજની પ્રગતિમાં યોગદાન આપતાં હોય, સુસંગઠિત-સુસંચાલિત હોય વગેરે જેવી ગૌણ માહિતી સાથેની અરજીઓ મગાવાઈ હતી. આવેલા 17 દાવેદારોમાંથી તેને નિર્ણાયકો દ્વારા યોગ્ય ન્યાય આપી ગામનાં તથા એરિયા પ્રમાણેનાં પસંદ થયેલાં વિશિષ્ટ મંડળોનું સન્માન કરાયું હતું. ગામનું એવોર્ડ સાથેનું બેનર, સન્માનપત્ર તથા સંસ્થામાં ઉપયોગી થાય તેવું મેમેન્ટો આપી શાંતાબેન દામજી એન્કરવાલા તથા જયવંતીબેન જાદવજી એન્કરવાલા અને સંસ્થાના પદાધિકારીઓના હસ્તે સન્માન કરાયું હતું. એવોર્ડના ક્રમાંકમાં સૌથી જૂના મંડળનો એવોર્ડ એરિયા પ્રમાણે ડોમ્બીવલી પારસ મહિલા મંડળ, ગામ પ્રમાણે પ્રથમ કુંદરોડી સાહેલી મંડળ, શ્રેષ્ઠ મહિલા મંડળના એવોર્ડ વિસ્તાર પ્રમાણે પ્રથમ પ્રેમળજ્યોત મંડળ- મલાડ,  દ્વિતીય અગ્રીપાડા સખી સંગમ, ત્રીજું સાહેલી મંડળ-કુર્લા, ગામ પ્રમાણે પ્રથમ બાડા સહિયર વૃંદ,  બીજું ભુજપુર ભગિની મંડળ, ત્રીજું કોડાય જાગૃતિ મહિલા મંડળ, સન્માનિત મંડળો તથા અન્ય મંડળો અને વ્યક્તિગત સભ્યો દ્વારા મહિલા મેડિકલ ફંડ માટે ખૂબ જ સારાં અનુદાનનાં વચનો અપાયાં હતાં. સંસ્થાનાં સ્થાપક - પ્રમુખ  શાંતાબેન એન્કરવાલા તથા બંધારણના ઘડવૈયા મહેન્દ્રભાઈ શાહે સંસ્થા દ્વારા ચાલતી મહિલા મેડિકલ સહાયની પ્રવૃત્તિની વિશિષ્ટ નોંધ લીધી હતી, અને સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓને પણ બિરદાવી હતી. ધીરેન શેઠિયાનો પરિચય જીવનબાળા દેઢિયાએ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન સાવલાએ કર્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer