ભચાઉની પાલિકા બેદરકાર હોવાની બૂમ

ભચાઉની પાલિકા બેદરકાર હોવાની બૂમ
ભચાઉ, તા. 12 : ભાજપની બહુમતીવાળી ભચાઉ નગરપાલિકા શહેરીજનોના પ્રશ્નોમાં બેદરકાર હોવાની બૂમ ઊઠી છે. નવા બસ સ્ટેશનથી જૂના પેટ્રોલપંપ સુધીના માર્ગને એલ આકારના માર્ગ તરીકે ઓળખાય છે. ત્યાં બપોરે બે-અઢી વાગ્યે સમૂહમાં સફાઇ કરાતી હોવાથી વેપારી સહિતનાને રજકણોનો સામનો કરવો પડે છે. ખરેખર આ સફાઇ વિભાગવાર કરાય તો સ્વચ્છતા જળવાય, સફાઇનો હેતુ બર આવે. બીજીબાજુ મુખ્ય બજારો સિવાય ગલી-ફળિયા, સોસાયટીમાં સફાઇ થતી ન હોવાની વ્યાપક બૂમો ઊઠતી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના ચીરઇ નાકા પાસેની હંગામી શાકભાજી લારીવાળા સડેલા શાકભાજી ત્યાં ફેંકે છે, જેથી ગંદકી ખદબદે છે. જ્યારે કોઇ મોટો દિવસ કે તહેવાર હોય ત્યારે ટ્રેકટરો સહિત સફાઇ થાય. પછી હૈયો... શહેરની પ્રજા આપણે શું ?માં હવે પસ્તાય છે. અહીંની પાલિકાની તાનાશાહી કેટલી હદે ખરાબ છે. રાજ્યના માજી નાણાપ્રધાનના માસિયાઇ ભાઇ પોપટલાલ નરશી ખુથિયા પોતાના કોઇ પ્રશ્ન માટે નગરપાલિકામાં ગયા તો આખા સ્ટાફે ભેગા થઇ માર્યાની રજૂઆત આ હતભાગીએ લાગતાવળગતાને કરી હતી. ઘર ઘરના કચરા લેવાની પ્રથા પણ નિયમિત જળવાતી નથી. કન્ટેનર દિવસો સુધી સાફ કરાતું ન હોવાથી આજુબાજુના રહીશો, પસાર થનારને ગંદકીનો સામનો કરવો પડે છે. સ્વાઇન ફલુ, ડેંગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, મેલેરિયા, ઝેરી મેલેરિયાના રોગના શહેરમાં પુષ્કળ વાયરા છે. તેમાં આ ગંદકી - અસ્વચ્છતાને લઇ રોગચાળો વ્યાપક બને તેવી દહેશત ફેલાઇ છે. દવા, લેબોરેટરી, બાટલા ચડાવવા, દાકતરની ફી ગરીબોને પરવડતી નથી. સરકારી દવાખાનામાં તબીબી સેવા ઉપલબ્ધ નથી. શહેરમાં પાણીનો વ્યાપક બગાડ થાય છે, જે ગંદકીને નોતરે છે. ગટરલાઇનો પણ અનેક જગ્યાએ તૂટી જતાં ગંદું પાણી રસ્તામાં ફેલાતું રહે છે. શહેરમાં ઢોરડબ્બો વર્ષોથી બનાવાતો નથી. ઢોરડબ્બો હોય તો રખડતા ઢોરને પૂરી શકાય. ઘાસચારા માર્કેટ આજ સુધી બંધાઇ નથી. જેના કારણે ગલીએ ગલીએ ચારો વેચવાવાળા હાટ માંડી બેઠા છે. જથ્થાબંધ કે છૂટક શાકમાર્કેટની શહેરમાં સુવિધા નથી, પરિણામે છૂટક બકાલાવાળા જ્યાં ત્યાં બેસી ધંધો કરે છે. 2001ના ભૂકંપ બાદ આયોજન વગર ચીરઇ-વોંધ નાકે છૂટક શાકમાર્કેટ લાખોના ખર્ચે બંધાઇ તેને શરૂ કેમ નથી કરાતી તે પ્રશ્ન છે. માર્કેટયાર્ડમાં ઓછી જગ્યા હોવાથી અનાજના વેપારીઓની અનિચ્છાથી ત્યાં જથ્થાબંધ શાકમાર્કેટ શરૂ નથી થઇ. જૂના બસ સ્ટેશન માર્ગ પર પોસ્ટ ઓફિસથી બસ સ્ટેશન તરફ 25-30 ભાડુઆતો 50 વર્ષ જૂના છે. તેમના માટે ભૂકંપ બાદ કોઇ દુકાન કોમ્પ્લેક્સમાં સમાવેશ ન થતાં હાલ જૂના સ્થળે પાલિકાની મૌખિક સહમતીથી ધંધા રળે છે. પાલિકા કોઇ ભાડું લેતી નથી એટલે પાલિકાને કોઇ આવક નથી અને દુકાનદારોને વગર ભાડે હક્ક કેમ મળશે તે પ્રશ્ન છે. વથાણ બાજુ અને પાલિકાએ બાંધેલી દુકાનોની કેટલી ઉપરની દુકાનો કે તેની માથેનો ભાગ ખાલી છે તે જાહેર હરાજી કે વાજબી દરે અપાય તેવી માંગ છે. તો ભૂકંપ પૂર્વે જાહેર હરાજીમાં પાલિકા પાસે છત લીધી હતી તેનો કબ્જો આજ દિવસ સુધી માલિકને ન અપાયાની ફરિયાદ છે. ભાજપ સરકારની વિકાસ સેવાને નગરપાલિકાના કોઇ અજ્ઞાતો દીપાવવા દેતા ન હોવાની બૂમ છે. શહેરમાં ગુમાસ્તા ધારાનું પાલન થતું ન હોવાથી દુકાનો ગમે ત્યારે ખૂલે, બંધ રહે છે. ભેળસેળ બાબત કોઇ જ તપાસ થતી ન હોવાથી શહેરીજનોને હલકા પ્રકારની ખાદ્ય સામગ્રી પૂરા નાણાં ખર્ચીને ખાવી પડે છે. શહેરમાં લાખોના ખર્ચે પેવર બ્લોક પાથર્યા છે પરંતુ વેપારીઓ તેનો ગેરઉપયોગ કરે છે. શહેરીજનોને કોઇ ફાયદો મળતો નથી. પાલિકાની મીઠી નજરે અનેક સ્થળે દબાણો છે તે રજૂઆતો છતાં હટાવાતાં નથી. શહેરમાં અસંખ્ય સ્ટ્રીટ લાઇટો બંધ છે. વ્યાપક ફરિયાદ છતાં શરૂ કરાતી નથી. શહેરમાં કોઇ બગીચો નથી. મુતરડી સાફ થતી નથી. જાહેર શૌચાલય બાંધ્યા છે તે પણ જાણકારોના મતે દબાણમાં છે. શહેરમાં પાલિકા દ્વારા થયેલા કામોની તપાસ થાય. અત્યાર સુધી કેટલાં નાણાં આવ્યાં, તેમાંથી શું કામ થયા તો અનેકગણો ભ્રષ્ટાચાર આ શહેરમાં થયો છે તે બહાર આવે. રસ્તા, ગટર વગેરે બાંધકામો ઇજનેરી પદ્ધતિથી નથી થતા જે કારણે મુશ્કેલી સર્જાય છે. દાતાઓ દ્વારા બનેલા પરબો બંધ અથવા ગંદકીથી ખદબદે છે. કસ્ટમ ચોક પાસે દોઢેક વર્ષથી એક વર્તુળાકાર કૂવો બનાવાયો છે તેમાં શું કરશે, કોઇને ખબર નથી. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગંદકી છે. ઉબડખાબડ બાંધકામ છે તે જ ભચાઉની કામગીરી દેખાય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer