ઘડુલી-સાંતલપુર માર્ગના અટકેલા કામને વહેલી તકે મંજૂરીની માંગ

ધોળાવીરા (તા. ભચાઉ), તા. 12 : લગભગ 40 વર્ષથી કોઇને કોઇ કારણસર અટકેલા અને સંરક્ષણની દ્રષ્ટિએ ઉપયોગી ઘડુલી- સાંતલપુર માર્ગને વહેલી તકે મંજૂરી આપવા અહીંના સામાજિક કાર્યકરે વડાપ્રધાનને સંબોધીને લખેલા પત્રમાં માંગ કરી છે. આ વિસ્તારના આગેવાન અને સામાજિક કાર્યકર વેલુભા એસ. સોઢાએ વડાપ્રધાન શ્રી મોદીને લખેલા પત્રમાં માંગ કરી છે કે, આ માર્ગ બનશે તો દેશની સરહદ સચવાશે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, સંરક્ષણની દ્રષ્ટિએ ઉપયોગી આ માર્ગથી ઇંધણ અને સમયના બચાવ સાથે સાથે દુનિયાની આઐતિહાસિક ક્ષેત્રે નામના ધરાવતી અજાયબ વિરાસત ધોળાવીરા ગામની 5000 વર્ષથી સચવાયેલી પુરાતત્વીય હડપ્પન સંસ્કૃતિ તેમજ ધોરડોના પ્રવાસનને વેગ મળશે. ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિને જોવા અને માણવા દુનિયાભરના દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે, પરંતુ અહીં પહોંચવા માટે ટુંકો માર્ગ ન હોવાથી પ્રવાસીઓને ઘણી મુશ્કેલી પડે છે. અહીં રેલવે તેમજ હવાઇ પ્રવાસની સગવડ ન હોવાના કારણે પ્રવાસીઓને બસ તથા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, લાંબા રૂટના કારણે કયારેક પ્રવાસીઓ આવવાનું  ટાળતા  હોય છે જેથી આ  વિસ્તારનો  પ્રવાસન ક્ષેત્રે  વિકાસ  થઇ  શકતો  નથી, જેથી આ  માર્ગનું  વહેલી તકે કામ શરૂ થાય  તેવી  માંગ  કરી  છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer