શિક્ષકની જવાબદારી અને ભૂમિકા મોટી છે

ભુજ, તા. 20 : શિક્ષકોએ કલાસરૂમમાં પ્રવેશતા પહેલાં પોતાની અંગત મુશ્કેલીઓ ગમા અણગમા બહાર છોડી દેવા જોઇએ. શિક્ષકો પર સમાજના કોરી પાટી જેવા હજારો માનસના ઘડતરની જવાબદારી છે જે તેમણે પૂરી નિષ્ઠા અને લગનથી નિભાવવાની છે એવી શીખ, અહીં શિવશક્તિ સ્ટડી સર્કલ સંચાલિત મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનમાં બીએડ પૂર્ણ કરીને વિદાય લેતા છાત્રાઓના દીક્ષાંત સમારોહમાં આપવામાં આવી હતી.  પ્રશિક્ષણાર્થીઓને અધ્યક્ષ-સ્થાનેથી સંબોધતા સંસ્થાના ઉપપ્રમુખ અને પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ સફળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય અતિથિ કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે કોલેજ કેમ્પસના પોઝિટિવ માહોલની નોંધ લેતાં કહ્યું કે જ્યાં છાત્રો અને અધ્યાપકો વચ્ચે પરસ્પર માન-સન્માન લાગણી દેખાતી હોય અને ટ્રસ્ટીઓનું માર્ગદર્શન મળતું હોય એ સંસ્થા હંમેશાં પ્રગતિ કરે છે. મુખ્ય વક્તા અને કેળણીકાર રસનિધિ અંતાણીએ શિક્ષકોને જ્યોતિર્ધરની ઉપમા આપીને શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષકોએ કેવા ગુણ કેળવવા એની સમજણ આપી હતી. બીએસએફના ડી.સી.જી. નવીન પનવારે તેમના દિલ્હી ખાતેના કોલેજ જીવનના દ્રષ્ટાંત યાદ કરીને વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકના મહત્વ પર પ્રકાશ ફેંકયો હતો. ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી.  પ્રારંભમાં કોલેજના પ્રાચાર્યા ડો. પલ્લવી શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રા. કામિની ગણાત્રાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. પ્રો. હેતલ વસા તેમજ પ્રશિક્ષાર્થી અલ્પા મેરિયા, અલ્પા બુચિયા, ભક્તિ અબોટી અને નિરાલી મહેતાએ વ્યક્ત કરેલા પ્રતિભાવથી લાગણીશીલ માહોલ સર્જાયો હતો. જુદા પડવાની પળોએ સૌની આંખો ભીંજવી દીધી હતી. પ્રશિક્ષણાર્થી વંદના જોશીએ વિદાય ગીતથી ભાવવાહી માહોલ સર્જ્યો હતો. કાર્યક્રમમાં સ્વ. પ્રા. વખતસિંહ જાડેજાના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ હકૂમતસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. દીક્ષાંત સમારોહનું સંચાલન પ્રશિક્ષણાર્થી હની શંકરસિંહ રાઠોડે અને આભારદર્શન પ્રા. પવનકુમાર ભાનાણીએ કર્યું હતું.  કાર્યક્રમમાં બીએસએફના અધિકારી શ્રી સેકરન, સંસ્થાના મંત્રી પ્રવીણસિંહ વાઢેર, કેમ્પસ ડાયરેકટર જગદીશ અબોટી, તમામ વિભાગના આચાર્યો, વિક્રમસિંહભાઇ, નેહા ગોર, હેતલ જેઠી, શિવભદ્રસિંહ વગેરે ઉપસ્થિત હતા. વર્ષ દરમ્યાન વિવિધ સ્પર્ધામાં ઝળકીને સંસ્થાને નામના અપાવનાર તેજસ્વી છાત્રાઓને સન્માનિત કરવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer