આખરે કચ્છ યુનિ.ને મળ્યા કુલપતિ

આખરે કચ્છ યુનિ.ને મળ્યા કુલપતિ
ભુજ, તા. ર : જેની ત્રણ-ત્રણ વર્ષથી વધુ સમયથી રાહ જોવાતી હતી અને એક સમયે જે જગ્યા ભરવા માટે રાજભવન અને ગુજરાત સરકાર વચ્ચે લોકપાલ જેવા ઘર્ષણ સાથે તુલના થઈ હતી, એવા કચ્છના ઉચ્ચ શિક્ષણ માટે મહત્વના કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદની નિમણૂકની અંતે આજે જાહેરાત કરવામાં આવી હતી. યુનિ.ના ત્રીજા કુલપતિપદે મૂળ કચ્છના વતની અને હાલે લીમડીની કોલેજમાં એસોસિએટેડ પ્રોફેસર રહેલા તથા માંડવીથી જ કારકિર્દી શરૂ કરનાર ડો. ચંદ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની આગામી ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે ડો. જાડેજાએ કચ્છમાં ઉચ્ચ શિક્ષણના હિત અને વિકાસ માટે કામ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. મૂળ માંડવી તાલુકાના ગામ કોજાચોરાના વતની અને ત્યાંજ પ્રાથમિક શિક્ષણ મેળવનાર શ્રી જાડેજા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી સ્થિત એઆરએસ સખીડા આર્ટસ એન્ડ સીસી ગેડીવાલા કોમર્સ એન્ડ સી હોમ સાયન્સ કોલેજમાં એસો. પ્રોફેસર અને સાયકોલોજી વિભાગના અધ્યક્ષ છે. તેઓએ પોતાની કારકિર્દીનો આરંભ માંડવીની જ એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી શરૂ કર્યો હતો. 1991થી '93 દરમ્યાન તેઓ અહીં પ્રાધ્યાપક હતા. આમ છ વર્ષ બાદ ફરી કચ્છને કચ્છી કુલપતિ મળ્યા છે. તેમનો પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કોજાચોરામાં થયા બાદ બાકીનું શાળાકીય શિક્ષણ જાંખડ અને લીમડી ગામમાં થયા બાદ સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી હાંસિલ કરી હતી અનેવલ્લભવિદ્યાનગરમાંથી એમ.એ.ની ડિગ્રી ગોલ્ડમેડલ સાથે હાંસિલ કરી હતી. ર008માં સૌરાષ્ટ્ર યુનિ.માંથી જ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. અત્યારે તેમનો પરિવાર કચ્છમાં કોજાચોરા ગામમાં જ રહે છે. નિમણૂક બાદ આ અખબારે નવનિયુક્ત વીસીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, `હું કચ્છનો જ છું. મને આ સરકારે તક આપી છે ત્યારે જિલ્લાના ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે શક્ય તમામ પ્રયાસો કરીશ. ખાસ તો નવા ડિપાર્ટમેન્ટ ઊભા કરવા, નવા વિષયો પર વધુમાં વધુ સંશોધન થાય તેમ ઇચ્છું છું. સાથે યુનિ.નો વધુ વિસ્તાર કરવા કટિબદ્ધ છું.  `દેર આયે દુરસ્ત આયે !'  ભુજ, તા. ર : કચ્છ યુનિવસિર્ટીમાં ત્રીજા કુલપતિપદે ડો. ચંદ્રસિંહ જાડેજાની નિયુકિતની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પર યુનિ.ના એક્ઝિકયુટીવ કાઉન્સિલના સભ્યો અને રાજકીય આગેવાનોએ આવકાર આપીને ભવિષ્યમાં યુનિ.ની સ્થિતિ સુધરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. ઈસીના સભ્ય અને પૂર્વ જિ.પં પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે, શિક્ષણધામમાં વીસીની નિમણૂક થવાથી જે હેતુથી યુનિ.ની સ્થાપના થઈ છે તે સિધ્ધ થાય અને ઉચ્ચ શિક્ષણનું સ્તર સુધરે તેવી અપેક્ષા છે. આગળનું ભૂલીને આગળ વધવાની જરૂર છે. દેર આયે દુરસ્ત આયે. બીજીતરફ, ઈસી સભ્ય અને કોંગ્રેસ નેતા નવલસિંહ જાડેજાએ મોડે પણ થયેલી નિમણૂક અંગે આવકાર આપીને જોકે, કહ્યું કે, ત્રણ વર્ષ અને એક મહિનાનો સમય વિત્યા બાદ કાયમી કુલપતિની નિમણૂક ગુજરાત સરકારે કરી છે. આ લાંબા સમયગાળામાં વહીવટ અને શિક્ષણને ઘણું નુકસાન પહોંચ્યું એ ખેદજનક છે. કચ્છના લોકપ્રતિનિધિઓએ લાંબો સમય વિતવા છતાં કોઈ મહેનત ન કરી  અને યુનિ.ના નામે રાજનીતિ કરી એ દુ:ખદ હોવાનો તેમણે પ્રતિભાવ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવે. ર01રમાં દ્વિતીય કુલપતિની મુદત પૂરી થવા પહેલાં રચાઈ ગયેલી કુલપતિની પસંદગી સમિતિ વિખેરી નાખવામાં આવી હતી, અને બીજી નવી કમિટીએ ત્રણ નામો મૂકયા તેમાંથી ડો. જાડેજાની પસંદગી કરવામાં આવી છે. પહેલી સર્ચ કમિટીની બેઠકો વખતે બે વાર ત્રણ-ત્રણ નામો મૂકવામાં આવ્યા હતા. પણ  રાજકીય ઘર્ષણ જામ્યું અને નામોમાંથી કુલપતિ તો પસંદ ન થયા પણ મામલો અદાલતના દ્વારે પહોંચ્યો હતો અને પહેલી સમિતિ જ અંતે વિખેરી નાખવામાં આવી હતી. પછી કેન્દ્રમાં સરકાર બદલાયા બાદ રાજયપાલ પણ બદલાયા અને નવી બીજી સમિતિ રચવામાં આવી હતી. જેમાં પણ અન્ય યુનિ.ઓમાં થતી નિયુકિતના પ્રમાણમાં વધુ સમય નીકળી ગયો હતો.  કાયમી ત્રીજા પણ ઇન્ચાર્જ સહિત યુનિ.ના સાતમા કુલપતિ  ભુજ, તા. 2 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્માના નામ સાથે જોડાયેલી અને રાજ્યની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની આકાંક્ષા સાથે શરૂ થયેલી કચ્છ યુનિવર્સિટીએ તેના લગભગ 12 વર્ષની મુદ્દતમાં છ કુલપતિઓને કાર્ય કરતા જોયા છે. ભલે આજે કાયમી રીતે ત્રીજા કુલપતિ નીમાયા પરંતુ 2012 બાદ ઇન્ચાર્જના જ સમયમાં ત્રણ કુલપતિઓએ મહત્ત્વનો કારભાર સંભાળ્યો હતો. અત્યાર સુધી કુલપતિ પદ સંભાળનારા પ્રાધ્યપકોની યાદી આ મુજબ છે.  ડો. કાંતિ ગોર -   પ્રથમ કુલપતિ  ડો. દર્શનાબેન ધોળકિયા - ઇન્ચાર્જ  ડો. શશિરંજન યાદવ -  દ્વિતીય કુલપતિ  ડો. તુષાર હાથી        - ઇન્ચાર્જ  ડો. પ્રજ્ઞેશ દવે            -ઇન્ચાર્જ  ડો. બી.એસ. પટેલ      -ઇન્ચાર્જ  ડો. ચંદ્રસિંહ જાડેજા  -ત્રીજા કુલપતિ. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer