ફિફા : 64 મેચમાં કુલ્લ 169 ગોલ : ઓન ગોલ, પેનલ્ટીના વિક્રમ થયા

નવી દિલ્હી, તા. 16 : ક્રોએશિયા સામે ફ્રાન્સની 4-2થી ધમાકેદાર જીત સાથે 21મા ફિફા વર્લ્ડકપનું સમાપન થઇ ગયું છે. દરેક વખતની જેમ આ વખતે પણ ફૂટબોલ વર્લ્ડકપ ખાસ બની રહ્યો. દુનિયાએ ક્રોએશિયા જેવા નાના દેશની અદ્ભુત રમત જોઇ. બીજી તરફ, ખિતાબની પ્રબળ દાવેદાર ટીમો ધરાશાયી થતી જોવા મળી અને નામી ખેલાડીઓના નિરાશાજનક દેખાવ જોવા મળ્યા. રશિયામાં રમાયેલા ફિફા વર્લ્ડકપમાં અનેક રેકોર્ડ પણ બન્યા, જેમાંના કેટલાક ખાસ છે. વર્લ્ડકપની 64 મેચમાં કુલ્લ 169 ગોલ થયા. ટૂર્નામેન્ટમાં એક જ મેચમાં એક પણ ગોલ થયો નહીં. પ્રતિ મેચ ગોલ સરેરાશ 2.6ની રહી. વીડિયો આસિસ્ટન્ટ રેફરીને લીધે આ વર્લ્ડકપમાં સૌથી વધુ પેનલ્ટી (29) જોવા મળી. આ પહેલાં આ રેકોર્ડ 2011ના વર્લ્ડકપમાં 18 પેનલ્ટીનો હતો, જેનો ફાયદો સૌથી વધુ ઇંગ્લેન્ડના સુકાની હેરી કેનને મળ્યો. તેના છ ગોલમાંથી 3 ગોલ પેનલ્ટીથી થયા હતા. ફ્રાન્સના 19 વર્ષીય ખેલાડી એમ્બાપેએ ફાઇનલમાં ગોલ કરીને ઇતિહાસ રચ્યો. તે બ્રાઝિલના પેલે (19પ8) બાદ આવું કરનારો પહેલો યુવા ખેલાડી બન્યો. વીએઆર સિસ્ટમને લીધે ખેલાડીઓ થોડા કાબૂમાં રહ્યા. આથી વર્લ્ડકપ દરમ્યાન સૌથી ઓછાં 4 રેડકાર્ડ ખેલાડીઓને મળ્યાં હતાં. ઓન ગોલનો આંકડો પણ 12 પર પહોંચ્યો અને નવો રેકોર્ડ બન્યો.

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer