ફ્રાન્સ ત્રીજીવાર વર્લ્ડકપની ફાઇનલમાં

સેન્ટ પીટર્સબર્ગ, તા. 11 : ડિફેન્ડર સેમ્યુઅલ ઉમટિટીના શાનદાર ગોલની મદદથી ફ્રાન્સ રોમાંચક સેમિ ફાઇનલમાં બેલ્જિયમને 1-0થી હરાવીને ફિફા વર્લ્ડકપ-2018ની ફાઇનલમાં પહોંચી ગયું છે. મેચનો એકમાત્ર ગોલ ઉમટિટીએ હેડરથી પ1મી મિનિટે કર્યો હતો. આ સાથે ફ્રાન્સની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ફ્રાન્સ તેના યજમાનપદ હેઠળના વર્લ્ડકપમાં 1998માં ફાઇનલમાં બ્રાઝિલને હરાવીને ચેમ્પિયન થયું હતું, જ્યારે 2006ના વર્લ્ડકપ વખતે તેની ઇટાલી સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર થઇ હતી. બીજી સેમિની ટીમ ઇંગ્લેન્ડ-ક્રોએશિયમાંથી જે વિજેતા બનશે તેની સામે ફ્રાન્સ રવિવારે ફાઇનલ રમશે.બેલ્જિયમ વિરુદ્ધ વિશ્વકપમાં ફ્રાન્સની ત્રણ મેચમાં આ ત્રીજી જીત છે. આ પહેલાં ફ્રાન્સે 1938ના વર્લ્ડકપ વખતે ગ્રુપ સ્ટેજમાં બેલ્જિયમને 3-1થી અને 1986ના વર્લ્ડકપમાં ત્રીજા રાઉન્ડની પ્લેઓફ મેચમાં 4-2થી હાર આપી હતી. ગઇકાલની હારથી બેલ્જિયમનું સતત 24 મેચથી ચાલ્યું આવતું વિજય અભિયાન પણ થંભી ગયું હતું. આ દરમ્યાન તેણે 78 ગોલ કર્યા હતા, પણ વિશ્વકપની સેમિ ફાઇનલમાં બેલ્જિયમ એક પણ ગોલ કરી શક્યું ન હતું. જોકે, બેલ્જિયમની  ટીમ વિશ્વકપમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિદાય થઇ છે. બેલ્જિયમ તેના પ્રદર્શનથી ચાહકોનાં દિલ જીતવામાં સફળ રહી છે.  સેમિમાં બેલ્જિયમની ટીમે ડાબા છેડેથી એડન હેઝાર્ડના કેટલાક સારા મૂવ બનાવ્યા હતા પણ જમણા છેડા પર રોમેલુ લુકાકુની નિષ્ફળતા ભારે પડી હતી. બીજી તરફ, ફ્રાન્સના અનુભવી સ્ટ્રાઇકર ઓલિવર ગિરોડ પણ સારા મૂવને ફિનિશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, પણ મેચની પ1મી મિનિટે કોર્નરની મદદથી ઉમટિટીએ હેડરથી ગોલ કરીને ફ્રાન્સની જીતનો પાયો નાખ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer