કાશ્મીરમાં બે આતંકી ઠાર, 22 જણ ઘાયલ

શ્રીનગર, તા. 10 : જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ અને તેમને સાથ આપનારા સ્થાનિક ઉપદ્રવીઓ એમ બે મોરચે લડવું પડે છે. આજે શોપિયાંમાં દળોએ એક અથડામણમાં બે ત્રાસવાદીને ઠાર માર્યા હતા. આ દરમ્યાન તોફાનીઓ દ્વારા ધમાલ મચાવાઈ હતી.પોલીસ અને લોકો વચ્ચેના ઘર્ષણમાં પચાસેક જણ ઘવાયા હતા. તો બે જવાનને પણ ઈજાઓ થઈ હતી.  શોપિયાંમાં પાંચથી છ આતંકીઓ એક ઘરમાં છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુનડલાન ગામમાં શોધખોળ કાર્યવાહી આરંભી હતી આ દરમ્યાન આતંકીઓએ જવાનો પર ગોળીબાર ચાલુ કરી દીધો હતો. વળતા ગોળીબારમાં દળોએ બે ત્રાસવાદીનું ઢીમ ઢાળી દીધું હતું. જો કે, હજી બેથી ત્રણ  ત્રાસવાદીઓ કુનડલાન ગામમાં છુપાયા હોવાના હેવાલ છે. માર્યા ગયેલા એક આતંકવાદીના પિતા મોહમ્મદ ઈશાક નાયકુને અથડામણમાં પુત્રના મોતના હેવાલ મળ્યા ત્યારે હૃદય બંધ પડી જતાં તેમનું પણ મોત થઈ ગયું હતું.આ અથડામણ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો અને ઉપદ્રવીઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા અને સુરક્ષા દળો સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા. જવાબમાં દળોએ અશ્રુવાયુ છોડયો હતો અને પેલેટ ગનનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં એકનું મોત થયું હતું જ્યારે પ0 જણને નાની મોટી ઈજાઓ થઈ હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer