કેન્સરના વહેલા નિદાન માટે માંડવીની સંસ્થા દ્વારા આરંભાયું અભિયાન

માંડવી, તા. 26 : શહેરની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર દ્વારા કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે અભિયાન હાથ ધરાયું છે. સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને ટ્રસ્ટી દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ, આ સંસ્થા અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)ના સંયુક્ત ઉપક્રમે આખું વર્ષ દર શુક્રવારે અથવા શનિવારે તાલુકાનાં તમામ આઠે પ્રા. આરોગ્ય કેન્દ્રમાં કેન્સરના વહેલા નિદાન અને સારવાર માટે મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવશે. કેન્સરના દર્દીઓને સરકાર તરફથી બ્લોક હેલ્થ સેન્ટર-માંડવી દ્વારા માસિક રૂા. એક હજારની આર્થિક સહાય આપવામાં આવશે. આ અભિયાનમાં બ્લોક હેલ્થ સેન્ટર-માંડવીના મેડિકલ ઓફિસર ડો. પાસવાનનો સહકાર મળી  રહ્યો છે. તાજેતરમાં શનિવારે તાલુકાના તલવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેન્સરના વહેલા નિદાન માટે યોજાયેલા મેડિકલ કેમ્પમાં 42 વ્યક્તિઓની તપાસ થઈ હતી. કેમ્પમાં તલવાણાના મેડિકલ ઓફિસર અમિષીબેન સંઘવી અને સંસ્થાના ડો. જયેશભાઈ મકવાણાએ નિદાનાત્મક કાર્ય કર્યું હતું. આ ઉપરાંત તલવાણા પી.એચ.સી.નો સ્ટાફ, આશાવર્કર બહેનો તેમજ સંસ્થાનાં ઝવેરબેન ભગત અને બાદલભાઈ સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ ભાવનાબેન ઉદેશી, મંત્રી સંજયભાઈ ડગાળાવાલા, ખજાનચી ડો. હર્ષદભાઈ ઉદેશી અને સહમંત્રી અરવિંદભાઈ શાહે જણાવ્યું હતું. આ અગાઉ ગુંદિયાળી પી.એચ.સી.માં યોજાયેલા કેમ્પમાં 22 વ્યક્તિઓની તપાસ થઈ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer