વારાણસીમાં બંધાતો પુલ તૂટી પડતાં 18 મોત

વારાણસી, તા. 15 : વારાણસીના કેન્ટ એરિયામાંના એક નિર્માણાધીન પુલનો હિસ્સો ધરાશાયી થવાની ગોઝારી દુર્ઘટના આજે બની હતી. જેમાં 18  જણા માર્યા ગયા છે અને 50થી વધુ લોકો કાટમાળ તળે દટાયેલા હોવાના અહેવાલ છે. આજે બપોરે થયેલી આ દુર્ઘટનામાં ફ્લાય ઓવરનો એક હિસ્સો અચાનક તૂટી પડતાં મોટી સંખ્યામાં લોકો અને કેટલીક ગાડીઓ દબાઇ ગયા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ હોનારત અંગે ઘેરો શોક પ્રગટ કરવા સાથે સંબંધિત અધિકારીઓને ઘટનાસ્થળે ધસી જઇ કાર્યવાહીમાં લાગી જવાની તાકીદ કરી હતી. દુર્ઘટનાનાં કારણ અંગે તપાસ ટુકડી રચી છે અને 48 કલાકમાં તેનો રિપોર્ટ માગ્યો છે. યોગીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ અને ઇજાગ્રસ્તોને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનાને લઇને દુ:ખ વ્યકત કર્યું છે. મૃતકદીઠ તેના પરિવારને રૂા. પાંચ લાખની અને ગંભીર રીતે ઘાયલ થયેલાઓને રૂા. બે લાખની સહાય આપવાની જાહેરાત સીએમએ કરી હતી. કાટમાળ તળે અનેક વાહનોય દબાઇ ચૂકયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ બચાવકાર્ય માટે પહોંચી ચૂકી છે. સીએમ પણ ઘટનાસ્થળે ધસી ગયા છે. ઉત્તરપ્રદેશ સેતુ નિગમ અંતર્ગત લાંબા સમયથી આ પુલનું નિર્માણકામ ચાલુ હતું. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ અહીંની મુલાકાત લઇને ઝડપથી કામ પતાવવાનો આદેશ આપ્યો હતો. પૂલ તૂટી પડતાં વારાણસીના લોકોમાં દુ:ખની સાથે આક્રોશ ફેલાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer