પ્લેઓફનાં સમીકરણ બદલાય છે

નવી દિલ્હી, તા. 15 : વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ગઇકાલની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 10 વિકેટે મળેલી જીતથી પ્લેઓફનાં સમીકરણ બદલાયાં છે. પંજાબની આ કારમી હારથી પ્લેઓફમાં પહોંચવા બીજી ટીમો માટે નવી આશા ઊભી થઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ તો પહેલેથી પ્લેઓફમાં પહોંચી ચૂકી છે. બાકીના બે સ્થાન માટે હાલ પાંચ ટીમ વચ્ચે હરીફાઇ ચાલી રહી છે. કોલકાતાની ટીમના હાલ 12 મેચમાં 12 પોઇન્ટ છે અને ત્રીજા સ્થાને છે. આજની મેચમાં જો તેને રાજસ્થાન સામે જીત મળશે તો તેના 14 પોઇન્ટ થઇ જશે. રાજસ્થાનના પણ 12 મેચમાં 12 અંક છે. આથી બંને ટીમ માટે આજની મેચ કરો યા મરો સમાન છે. હારવા પર બંને ટીમ માટે આખરી મેચ જો અને તોની સ્થિતિ પર નિર્ભર રહેશે. હમણાં સુધી પ્લેઓફમાં નિશ્ચિત મનાતી પંજાબની ટીમ મઝધારમાં અટવાઇ છે. સતત બે હારથી તેની પ્લેઓફની રેસ અટકી ગઇ છે. તેનાં નામે પણ 12 મેચમાં 12 પોઇન્ટ છે. પંજાબની ટીમ જો તેની આખરી બે મેચ જે મુંબઈ અને ચેન્નાઇ સામે રમવાની છે તેમાં તેને જીત મેળવવી પડશે. પંજાબની ટીમે રનરેટ પણ સુધારવી પડશે. મુંબઈ અને બેંગ્લોરની ટીમના 12 મેચના અંતે 10 - 10 પોઇન્ટ છે. પંજાબ સામે 10 વિકેટે મળેલી જીતથી બેંગ્લોરને લાઇફ લાઇન મળી છે અને મુંબઈની આશા પણ પુનર્જીવત બની છે. આ બંને ટીમ જો તેના આખરી બે મુકાબલા જીતે તો તેના અંતમાં 14 - 14 પોઇન્ટ થાય અને નેટ રનરેટ ત્યારે નિર્ણાયક બની રહે. હાલ આરસીબી પ્લસ રનરેટમાં છે અને મુંબઈ માઇનસ રનરેટ સાથે ચાલી રહ્યંy છે. આમ આઇપીએલ -11ની પ્લેઓફમાં પહોંચવાની દોડ છેલ્લી લીગ મેચ સુધી ચાલે તેવી રોચક સ્થિતિ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer