ભાજપ લાલચુ પક્ષ હોવાથી ક્યારેય વિશ્વાસ કરવો નહીં
ભીમાસર (તા. અંજાર), તા. 17 : તાજેતરમાં માંડવી તાલુકા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ ગંગાબેન સેંઘાણી અને તેમની સાથે ચૂંટાયેલા ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છે ત્યારે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલે કહ્યું કે, ભાજપ એ લાલચુ પક્ષ છે. ક્યારેય વિશ્વાસ કરાય નહીં. કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલાને અપીલ કરું છું કે ભાજપની વાતોમાં આવતા નહીં, કારણ કે ભાજપ પોતાના સ્વાર્થ માટે બીજાની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખે છે. કોંગ્રેસ પક્ષને માનનારા લોકોએ ચૂંટી અને તાલુકા પંચાયતના પ્રતિનિધિ બનાવ્યા ત્યારે તેમની સાથે વિશ્વાસઘાત કરી અન્ય પક્ષમાં જોડાવું એ યોગ્ય નથી. પંચાયત ધારાના પક્ષાંતર ધારાની જોગવાઇ મુજબ, જે પક્ષમાં ચૂંટાયેલા હોઈએ તેમનો વ્હીપ માનવા બંધાયેલા છીએ. પક્ષાંતર ધારાની જોગવાઇ મુજબ પંચાયતની મિટિંગમાં ગેરહાજર રહી શકતા નથી. પક્ષના આદેશ વિરુદ્ધ મતદાન કરી શકતા નથી અથવા કોઇ પક્ષમાં જોડાઇ શકતા નથી અને વ્હીપનો અનાદર કરવામાં આવે તો ટૂંક સમયમાં જ પક્ષાંતર ધારાની જોગવાઇ મુજબ સભ્યપદ રદ થઇ શકે છે, જેથી જેથી ભાજપ ગુમરાહ કરે છે. આપની જાણકારી માટે અંજાર તાલુકા પંચાયતમાં 10માંથી 5 સભ્યો વિરુદ્ધમાં હતા તેવા તમામ સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સભ્યપદે ગેરલાયક ઠર્યા હતા. તેવી જ રીતે ભચાઉ નગરપાલિકામાં 22માંથી 17 સભ્યો ભાજપમાં જોડાયા હતા. આ તમામ સભ્યો પણ ગેરલાયક ઠર્યા હતા અને તેમનાં સભ્યપદ પણ ગુમાવ્યાં હતાં. તેવી જ રીતે નખત્રાણા તેમજ મુંદરામાં પણ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરાઈ અને તેમનાં સભ્યપદ પણ ગુમાવ્યાં હતા તેવી યાદ અપાવી હતી.