ડિવિલિયર્સની વાપસી આફ્રિકા માટે ફાયદારૂપ : ગાંગુલી

ડિવિલિયર્સની વાપસી આફ્રિકા માટે ફાયદારૂપ : ગાંગુલી
નવી દિલ્હી, તા. 13 : પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના કહેવા પ્રમાણે ભારત સામેની શ્રેણીમાં ધુરંધર બેટધર એબી ડિવિલિયર્સની વાપસીની દક્ષિણ આફ્રિકાની ટીમ ઉપર નોંધપાત્ર અસર થઈ છે અને ચોથી વનડેમાં ભારત સામે જીત પણ મેળવી છે. જો કે ગાંગુલીએ એમ પણ કહ્યું છે કે, ભારતની ટીમને આ હારથી ડરવાની કોઈ જરૂર નથી.  ઈજાના કારણે ડિવિલિયર્સ શરૂઆતની ત્રણ વનડેમાંથી બહાર હતો. આ ત્રણે વનડેમાં જીત મેળવીને ભારતીય ટીમે 3-0થી સરસાઈ મેળવી લીધી છે. જો કે ચોથી વનડેમાં ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે દક્ષિણ આફ્રિકાની પાંચ વિકેટે જીત થઈ હતી. સૌરવ ગાંગુલીએ પોતાની એક કોલમમાં કહ્યું છે કે, એબીની ટીમમાં વાપસીની સકારાત્મક અસર મેદાનમાં જોવા મળી હતી.  આ ઉપરાંત પિંક ડ્રેસમાં તમામ મેચ જીતવાના રેકોર્ડને પણ આફ્રિકાએ કાયમ રાખ્યો છે. મેચમાં એબીએ ખાસ રન બનાવ્યા નથી પણ મધ્યમકક્ષાએ બેટિંગમાં ઊતરવાથી ટીમના મનોબળ ઉપર અસર જોવા મળી હતી અને સ્પિનરોને લઈને આફ્રિકાએ કરેલા પ્રયોગો પણ સફળ રહ્યા હતા. બીજી તરફ વરસાદે ભારતીય ટીમની બાજી બગાડી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer